Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ગુજરાતની ભૂમિ પવિત્રતા, દિવ્યતાની વાહક છેઃકોવિંદ

કોવિંદ દ્વારા ખાસ ટપાસ ટિકિટનું વિમોચનઃ BAPS સંસ્થાએ અંધશ્રદ્ધા, જ્ઞાતિ-જાતિ, ઊંચ-નીચના ભેદભાવને ભૂસી જનકલ્યાણનો યજ્ઞ આરંભ્યો છેઃ કોવિંદ

અમદાવાદ, તા.૨૨, ગોંડલ સ્થિત વિશ્વ વિખ્યાત અક્ષર દેરીની સાર્ધ શતાબ્દિ વર્ષની ઉજવણીમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહભાગી બની સેવા, પવિત્રતા અને આધ્યાત્મિકતાના નાદને બૂલંદ બનાવ્યો હતો. રાષ્ટ્રપતિએ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનને માનવ સેવાની ભેખધારી ગણાવી હતી. અક્ષરદેરીના સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે ૧૧ દિવસના યોજાયેલ કાર્યક્રમમાં આજે અક્ષરવાડીમાં સ્વામિનારાયણ નગર ખાતે ૨૦૦ એકરમાં ઉભા કરાયેલા સભાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદેથી ઉદબોધન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, ગોંડલની અક્ષર દેરીના દર્શન કરવાનો અવસર બીજી વખત પ્રાપ્ત થયો છે. આ પૂર્વે પણ, બિહારના રાજ્યપાલની ફરજ દરમિયાન અક્ષર દેરીના દર્શન કર્યા હતા અને આ ભૂમિના પુણ્યપ્રતાપના કારણે હું થોડા દિવસો બાદ રાષ્ટ્રપતિની જવાબદેહી મળી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ સંસ્થા માનવતાની સેવાનું ભીગરથકાર્ય કરી રહી છે. ગુણાતીન સ્વામીએ તો એ સમયે સેવાની રીતસરની આલહેક જગાવી હતી. તત્કાલીન સમયે પ્રવર્તતી અંધશ્રદ્ધા, જ્ઞાતિ-જાતિ, ઊંચ-નીચના ભેદભાવને ભુસી જનકલ્યાણનો યજ્ઞ આરંભ્યો હતો જે આજપર્યંત ચાલે છે. દેશવિદેશમાં કાર્યરત ૫૫ હજાર સ્વયંસેવકો જનકલ્યાણની ફોજ છે. કોવિંદે જણાવ્યું કે, આ સંસ્થાએ માનવતાના કલ્યાણ માટે આધ્યાત્મિકતાને બુનિયાદ બનાવી છે. સેવાની મહેક દેશ વિદેશમાં પ્રસરાવી છે. નિસ્વાર્થ અને પરમાર્થ સેવાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રશંસક હતા.  સ્વ. કલામના પ્રમુખ સ્વામી મહારાજ સાથેના સંસ્મરણોની ઝાંખી આજે પણ રાષ્ટ્રપતિ ભવનમાં જોવા મળે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉમેર્યું કે, ગુજરાતમાં વ્યવહારિકતા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય જોવા મળે છે. ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજનની રચનાની પ્રેરણા પણ અહીંથી મળી હતી. સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા પ્રબળ સબળ સેવકોની પ્રેરણાભૂમિ રહી છે. પવિત્રતા, દિવ્યતા, નૈતિકતાની વાહક આ ભૂમિ અને આ સંસ્થા રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પવિત્રતા, દિવ્યતા, નૈતિકતા દ્વારા ચારિત્ર નિર્માણ અને એના થકી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય થઇ રહ્યું છે. માનવતાના કલ્યાણનું મહાકાર્ય થઇ રહ્યું છે. તેમણે સ્વામિનારાયણ મંદિરોમાં સ્વચ્છતાની બાબતની પ્રશંસા કરી હતી.

(9:52 pm IST)