Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વિપક્ષી નેતાની પીચ ઉપર આવતા પરેશ ધાનાણી

કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદનો ચાર્જ સંભાળ્યા પહેલા કરી પૂજાઃ સરકાર સામે ફટકાબાજીની તૈયારીઃ ગાંધીનગરમાં વિધિવત કાર્યભાર સંભાળ્યોઃ કોંગી ધારાસભ્યોની બેઠકઃ ખેડૂતો, યુવાનો, મહિલા સુરક્ષા સહિતના પ્રશ્નોને લઇને ભાજપ સરકારને કેવી રીતે ઘેરવી તેની નવી રણનીતિ બનાવી

પરેશભાઇ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા તરીકે ચાર્જ સંભાળતા પહેલા પોતાની ઓફિસમાં પુજા કરી હતી.

 ગાંધીનગર તા.૨૨: વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષ તરીકે ઉભરેલ કોંગ્રેસના નેતા તરીકે કેબીનેટ દરજજા સાથે શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શકિતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગી ધારાસભ્યોની હાજરીમાં આજે અમરેલીના યુવા ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણીએ વિધિવત કાર્યભાર સંભાળ્યો છે. તે પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં તેમણે માર્ગદર્શન આપેલ તેમણે વિપક્ષની પીચ પર આવતાની સાથેજ સરકાર સામે આક્રમક બેટીંગનો મિજાજ બતાવ્યો છે.

આ વખતે કોગ્રેસમાં સંખ્યાબળ વધ્યુ છે જેના લીધે ધારાસભ્યોનું મનોબળ મજબુત થયુ છે. કોંગ્રેસના યુવા ધારાસભ્યો હોબાળો મચાવશે, ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસે શેડો મિનિસ્ટ્રી રચવા નક્કી કર્યુ છે. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા વિકસીત દેશોની પોલિટિકલ પેટર્નનો પ્રથમવાર ગુજરાતમાં ઉપયોગ થઇ રહ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યોનેય મંત્રીમંડળની જેમ ખાતાની વહેંચણી કરાશે. ધારાસભ્યોને જે તે ખાતા પર વોચ રાખવાની રહેશે. ખાતામાં કેવા પ્રકારની અનિયમિતતા થઇ રહી છે, પ્રજાલક્ષી કામો થાય છે. કે પછી અવગણના થઇ રહી છે, અધિકારીઓ કેવુ વલણ દાખવી રહ્યાં છે, આ તમામ બાબતો પર કોંગ્રેસના ધારાસભ્યો સોંપેલા ખાતા પર બાજનજર રાખશે. શેડો મિનિસ્ટ્રી થકી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ સરકારની પોલ-નિષ્ફળતા છતી કરશે.

(3:26 pm IST)