Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

સાવલીના લીમડાપુરા ગામમાં આવેલી રેન સ્‍માર્ટ સોલ્‍યુશન કંપનીમાં આગ ફાટી નીકળી

ઘટના સ્‍થળે ફાયરબ્રિગેડે પહોંચી બાજી સંભાળી : કંપનીની બોટલો તાત્‍કાલીક અન્‍યત્ર ખસેડાઇ

વડોદરા શહેરના સાવલી નજીક આવેલી લામડાપુરા ગામમાં આવેલી રેન સ્માર્ટ સોલ્યુશન કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગતા ધૂમાડા 5 કિમી દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા બાજુમાં આવેલી આકાશ ગેસીસ કંપનીના બોટલોનું સ્થળાંતર કરવુ પડ્યું હતું અને લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા. આગ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.

સાવલીના લામડાપુરા ગામમાં આવેલી રેન સ્માર્ટ સોલ્યુશન કંપનીમાં આજે બપોરે ભીષણી આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં મંજુસર ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં છે. જોકે, આગ ભીષણ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. રેન સ્માર્ટ સોલ્યુશન કંપનીની બાજુમાં જ આકાશ ગેસીસ કંપની આવેલી હોવાથી મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. જેથી આકાશ ગેસીસ કંપનીના બોટલોનું સ્થળાંતર કરવુ પડ્યું હતું અને લોકોને 500 મીટર દૂર હટાવી દેવામાં આવ્યા હતા.

જે કંપનીમાં આગ લાગી છે તે કંપનીના રેન સ્માર્ટ સોલ્યુશન કંપનીના માલિક મીનોન દેસાઈ હાલ વિદેશમાં રહે છે. કંપનીના મેનેજર હસમુખ ગજ્જરે જણાવ્યું હતું કે, અમારી કંપની પ્લાસ્ટિકની સીટ બનાવવાનું કામ કરે છે. કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગી તે સમયે કંપનીમાં 6 કર્મચારીઓ હાજર હતા. તમામ લોકો બહાર નીકળી ગયા હતા. આગમાં કોઇ જાનહાનિ થઇ નથી.

બીજી તરફ વડોદરા બાજવા ગામમાં બાજવા છાણી રોડ પર રહેઠાણ વિસ્તાર આવેલી વુડન ફેક્ટરીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જેને પગલે આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

(2:43 pm IST)