Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

આત્મનિર્ભર ગુજરાતને વધુ અસરકારક બનાવવા ખેડૂતો માટે કૃષિ કોન્કલેવ યોજાઇ

કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને આપ્યુ કૃષિ વિષયક મહત્વનું માર્ગદર્શન

ગાંધીનગર : ગુજરાત હંમેશા દેશના લોકો માટે રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે, પછી તે ગમે તે ક્ષેત્ર હોય. આવી જ એક ક્રાંતિ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પણ આવી છે, જેના રાહે આજે અનેક રાજ્યો ચાલી રહ્યાં છે. ગુજરાતના ધરતીપુત્રો ન માત્ર આત્મનિર્ભર છે, પરંતુ બીજા રાજ્યોના ખેડૂતોની સરખામણીમાં વધુ સમૃદ્ધ છે. ZEE 24 કલાક દ્વારા આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રો માટે કૃષિ કોન્ક્લેવ આયોજિત કરાઈ હતી. આ કોન્ક્લેવ સરકાર અને ખેડૂતો વચ્ચે એક પુલ બની રહી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.  
આત્મનિર્ભર ગુજરાતના ધરતીપુત્રો મેગા કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા, તેમજ કૃષિ નિષ્ણાતો તથા કેટલાક સફળ ધરતીપુત્રો હાજર રહ્યાં. આ કોન્ક્લેવમાં ગુજરાતમાં કૃષિક્રાંતિ, પ્રાકૃતિક ખેતી તથા કૃષિ બજાર વ્યવસ્થા વિશે નિષ્ણાતો અને ધરતીપુત્રો દ્વારા ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને નવી દિશા આપવાનો પ્રયાસ કરાયો છે. પ્રધાનમંત્રી પીએમ મોદીના પ્રયાસથી ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. છેવાડાના ખેડૂત સુધી સરકારી યોજનાઓ પહોંચી છે.
કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલે ભારતમાં ગુજરાતની કૃષિ ક્રાંતિના યોગદાન વિશે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2005 માં કૃષિ મહોત્સવ ચાલુ કર્યો હતો. ત્યારથી ખેડૂતોમાં જાગૃતિ આવી. કૃષિ વૈજ્ઞાનિકો પહેલા યુનિવર્સિટી સુધી સિમિત હતા, હવે તેઓ ગામડે ગામડે પહોંચવા લાગ્યા છે. ખેડૂતો પહેલા પરંપરગત રીતે ખેતી કરતા હતા, પરંતુ નરેન્દ્ર મોદીના પ્રયાસોથી લોકોમાં નવી માહિતી આવી. અનેક ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટી જોઈ પણ ન હતી, કૃષિ મેળાથી ખેડૂતોમાં હરિયાળી ક્રાંતિ આવી.
કિસાન અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલે હરિયાળી ક્રાંતિ વિશે કહ્યું કે, સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે જે કામ થયા છે, તેમાં ગુજરાત અગ્રણી રહ્યુ છે. પીએમ મોદીએ સમગ્ર દેશને વિઝન આપ્યુ હતું. તેમણે ગામડે ગામડે જઈને ખેડૂતોની વેદના સાંભળી હતી. વર્ષોથી અટકેલી નર્મદા યોજનાને પીએમ મોદીને કારણે વેગ મળ્યો હતો. એશિયામાં ભારતીયો પર ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આફતો આપણા પર સૌથી વધુ આવે છે. તેમાં પણ ગુજરાત પર તેની અસર વધુ થાય છે. તેથી ગુજરાતનો ખેડૂત ટેકનોલોજી અને સરકારી સહાયનો ઉપયોગ કરીને ખેતી કરે છે. પરંતુ તૈયાર પાક બગડી જવાની સ્થિતિ આપણા માટે સૌથી મોટો પડકાર છે.
ગુજરાતના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ મોટા પ્રમાણમાં વળ્યા છે, જેની સીધી અસર તેમની આવક પર થઈ છે. ગુજરાતમાં અંદાજે 2 લાખથી વધુ ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરે છે. ભારતના ખેડૂતોને વારસામાં પ્રાકૃતિક ખેતી મળી છે, જેનો ભવ્ય વારસો આજે પણ આગળ ચાલી રહ્યો છે. ગુજરાતનો ડાંગ જિલ્લો ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. તો પ્રાકૃતિક ખેતી વિશે કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, પીએમ મોદીએ 2011 માં ઓર્ગેનિક ખેતીનો પાયો નાંખ્યો હતો. ડાંગથી શરૂઆત થઈ ગઈ છે, આ યાત્રા આગળ ચાલતી રહેશે.


 

(11:55 am IST)