Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

૨૭ વર્ષથી ભાજપે અહીં માત્ર ‘‘જુમલા'' જ આપ્‍યા છે અને કોઈ કામ કર્યું નથીઃ મનીષ સિસોદિયા

ગાંધી આશ્રમથી ‘બસ હવે પરિવર્તન જોઈએ'યાત્રા શરૂ કરશે : દિલ્‍હીના નાયબ મુખ્‍યમંત્રી છ દિવસીય ગુજરાત પ્રવાસે : અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી : સાબરમતી આશ્રમમાં સ્‍થાપિત બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવીને બાપુના આશીર્વાદ લીધા : આશ્રમમાં બાપુનો ચરખો ચલાવ્‍યો : ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે અને તે પરિવર્તનને કઈ દિશામાં લઈ જવું એની પ્રેરણા લેવા માટે હું આજે બાપુના ચરણોમાં આવ્‍યો છું : અરવિંદ કેજરીવાલજી પર ગુજરાતની જનતા વિશ્વાસ કરવા લાગી છે, તો ભાજપની બોખલાહટ સ્‍વાભાવિક છેઃ ગુજરાતની જનતાએ છેલ્લા કેટલાક મહિનાઓથી જે પ્રકારનો પ્રેમ, સન્‍માન અરવિંદજી અને ‘આપ' ની જનતા માટે કામ કરવાની રાજનીતીથી ઘણી આશાઓ જન્‍મી છેઃ મનીષ સિસોદિયા : હિંમતનગરમાં તિરંગા યાત્રામાં ભાગ લેશે : તલોદ અને પ્રાંતિજમાં લોકો સાથે જનસંવાદ કરશે

રાજકોટ,તા.૨૧ : આમ આદમી પાર્ટીના દિલ્‍હીના નાયબ મુખ્‍યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી આજે તેમની છ દિવસીય મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્‍યા છે. મનીષ સિસોદિયાજી સવારે ૮.૦૦ વાગ્‍યે એરપોર્ટ પર આવી પહોંચ્‍યા હતા. આમ આદમી પાર્ટીના ફ્રન્‍ટલ સંગઠનના  દેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, ગુજરાત  દેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિત સેંકડો કાર્યકરોએ મનીષ સિસોદિયાજીનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું. મનીષ સિસોદિયાજી સૌથી પહેલા ગાંધી આશ્રમ જશે, ત્‍યાં ગાંધીજીના દર્શન કરીને ‘બસ હવે પરિવર્તન જોઈએ'ની યાત્રા શરૂ કરશે. ત્‍યારબાદ મનીષ સીસોદીયાજી હિંમતનગર જવા રવાના થશે, જ્‍યાં તેઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે. ત્‍યારપછી મનીષ સીસોદીયાજી તલોદ જશે અને ત્‍યાં જનસંવાદ કરશે, તલોદથી -ાંતિજ જશે અને ત્‍યાંના લોકો સાથે પણ જનસંવાદ કરશે.

 મનીષ સિસોદિયાજીએ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે હું ગુજરાત આવ્‍યો છું અને છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતની જનતાએ જે પ્રકારનો પ્રેમ, જે  પ્રકારનું સન્‍માન અરવિંદ કેજરીવાલજીને આપ્‍યું છે, આમ આદમી પાર્ટીની રાજનીતિને આપ્‍યું છે તેનાથી ઘણી આશા વધી છે કે, ગુજરાતમાં પણ સારી શાળાનું કામ થઈ શકે છે, હોસ્‍પિટલનું સારું કામ થઈ શકે, મોંઘવારી સામે લડી શકાય છે, રોજગારીનું કામ થઈ શકે છે. ૨૭ વર્ષથી ભાજપે અહીં માત્ર ‘‘જુમલા''જ આપ્‍યા છે અને કશું કર્યું નથી. લોકો રાહ જોઈ રહ્યા છે કે તેમના માટે સારી સરકારી શાળાઓ બને, સરકારી હોસ્‍પિટલો બને, તેમની વીજળી ઘણી મોંઘી થઈ ગઈ છે, તેના ભાવ ઘટે, રોજગાર મળે. એટલા માટે આજથી હું ગુજરાતના જુદા જુદા વિસ્‍તારોમાં જઈને યાત્રાઓ કરી રહ્યો છું. ગાંધીનગરમાં થઇ રહેલા આંદોલનો અંગે મીડિયાને સંબોધતા મનીષ સિસોદીયાજીએ કહ્યું કે, અત્‍યારે શિડ્‍યુલ પ્રમાણે કાર્યક્રમ નક્કી છે, બીજા કોઈ સમયે હું સમય કાઢીને લોકોને મળતો રહીશ. દરેક જગ્‍યાનાં વિવિધ મુદ્દાઓ છે,તો હું જુદી જુદી જગ્‍યાએ જઇને લોકોને મળતો રહીશ.

  ગઈકાલે કેજરીવાલજી જ્‍યારે વડોદરા પહોંચ્‍યા ત્‍યારે એરપોર્ટ પર મોદીજીના નારા લાગ્‍યા તે વિશેની પ્રતિક્રિયા આપતા મનીષ સિસોદીયાજીએ આપતા કહ્યું કે, ભાજપનો આ ડર સ્‍વાભાવિક છે કારણ કે, ૨૭ વર્ષથી તેમણે એવું કોઈ કામ કર્યું નથી જે જનતા ઈચ્‍છે છે. જનતા ઈચ્‍છે છે કે તેમના બાળકો માટે સારી શાળાઓ બને, સારી હોસ્‍પિટલો બને, તેમના છોકરા-છોકરીઓને નોકરી મળે, તેવું તો એમણે કર્યું નહીં, આડીઅવળી વાતો કરતા રહ્યા. હવે જ્‍યારે લોકો અરવિંદ કેજરીવાલજી ઉપર વિશ્વાસ કરવા લાગ્‍યા છે અને દિલ્‍હીમાં થયેલા કામ પંજાબમાં થયેલા કામ જોઇને ગુજરાતમાં પણ સારી શાળાઓ બની શકે છે, માટે ભાજપ માટે બોખલાઈ જવું અને દુઃખી થવું એ સ્‍વાભાવિક છે. 

ચરખા ચલાવ્‍યા બાદ, આશ્રમના લોકોએ મનીષ સિસોદિયાજીને સાબરમતી આશ્રમમાં આવીને કેવો અનુભવ થયો એનાં વિશે આશ્રમની ડાયરીમાં તેમને લખાવ્‍યું. ત્‍યાર બાદ બાપુ જે ઓરડામાં ધ્‍યાન કરતા હતા ત્‍યાં જઈને મનીષ સિસોદિયાજીએ પણ થોડો સમય મૌન પાળીને ધ્‍યાન કર્યું હતું. મનીષ સિસોદિયાજીએ સાબરમતી આશ્રમમાં સ્‍થાપિત બાપુની પ્રતિમાને ફૂલહાર ચઢાવી બાપુના આશીર્વાદ લીધા હતા. મનીષ સિસોદિયાજીએ સમગ્ર સાબરમતી આશ્રમનું ભ્રમણ કર્યું. મનીષ સિસોદિયાજીને જોઈને ગાંધી આશ્રમમાં આવેલા અન્‍ય લોકોની ઘણી ભીડ એકઠી થઈ ગઈ. ભીડમાં આવેલા લોકોએ મનીષ સિસોદિયાજીને ઘણા બધા ફૂલોના ગુલદસ્‍તા ભેટમાં આપ્‍યા. ગાંધી આશ્રમ ખાતે ભેગી થયેલી ભીડ અને લોકોનો ઉત્‍સાહ બતાવે છે કે ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્‍વ કેટલું વધી ગયું છે. 

  દિલ્‍હીમાં બીજેપી દ્વારા કરવામાં આવેલા સ્‍ટિંગ ઓપરેશન પર પ્રતિક્રિયા આપતા મનીષ સિસોદિયાજીએ કહ્યું કે, ભાજપ જૂઠું બોલે છે, જૂઠ સિવાય કંઈ બોલતી નથી. બાપુ દરેક વસ્‍તુ માટે  પ્રેરણા આપે છે, દેશમાં અસ્‍પળશ્‍યતા ન હોવી જોઈએ, બેઈમાની ન હોવી જોઈએ, સત્‍ય બોલવું જોઈએ, આજે કોંગ્રેસ અને ભાજપના લોકોએ શાળાઓ ખોલી નથી, હોસ્‍પિટલો ખોલવી જોઈએ નહીં. લોકો આજે કેજરીવાલજી પાસેથી ઉમ્‍મીદ રાખે છે. રાત-દિવસ તેઓ કેજરીવાલજીને ખરું ખોટું કહેતા રહે છે, જુઠ્ઠું બોલતા રહે છે, વિપક્ષ સામે લડવાની પ્રેરણા અહીંથી મળે છે.

 અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન દિલ્‍હી સરકારના નાયબ મુખ્‍યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના ફ્રન્‍ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્‍યક્ષ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:58 pm IST)