Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

નિયંત્રણોમુક્‍ત નવરાત્રી ઉજવવા ખેલૈયાઓમાં થનગનાટ

કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રીની રોનક પરત ફરશે : ૬ મહિનાથી ચાલતા ગરબા ક્‍લાસિસમાં હવે અંતિમ દિવસોમાં દોઢથી બે કલાકની પ્રેકિટસ

સુરત,તા. ૨૧ : આદ્યશક્‍તિની આરાધનાના પવિત્ર અવસર એવા નવરાત્રીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે ત્‍યારે કોરોનાનાં બે વર્ષ બાદ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા છ મહિનાથી શહેરમાં ઠેરઠેર ચાલતા ગરબા ક્‍લાસિસમાં હવે અંતિમ દિવસોમાં દોઢથી બે કલાકના પ્રેક્‍ટિસ સેશન શરૂ કરાયા છે. એક બાજુ ગરબા ક્‍લાસિસમાં આ વર્ષે ખેલૈયાઓની સંખ્‍યામાં ૧૦થી ૨૫ ટકાનો વધારો થયો હોવાનો મત પ્રોફેશનલ ખેલૈયાઓ, ગરબા ટીચર આપી રહ્યા છે. બીજી બાજુ સોસાયટી અને શેરીગરબાનો ટ્રેન્‍ડ વધવાની સાથે જ હવે પર્સનલ ગરબા ટીચરનું ચલણ પણ વધ્‍યું છે.

૨૬ સપ્‍ટેમ્‍બરના રોજ આસો સુદ એકમ સાથે નવરાત્રી પર્વનો રંગારંગ આરંભ થશે. ચાલુ વર્ષે ગણેશોત્‍સવ પર્વ વેળાએ શહેરમાં વિશેષ રોનક દેખાઇ હતી. ત્‍યારબાદ હવે નવરાત્રી પર્વની ઉજવણીને લઇને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને શહેરમાં ઠેરઠેર ચાલી રહેલા ગરબા ક્‍લાસિસમાં તેનો ઉત્‍સાહ, ઉમળકો સ્‍પષ્ટ દેખાઇ રહ્યા છે. નોંધનીય છે કે, ગત બે વર્ષમાં કોરોનાને કારણે વિવિધ નિયંત્રણો સાથે નવરાત્રી પર્વની ઉજવણી થઇ હતી. દરમિયાન કોમર્શિયલ આયોજનો પર તેની સીધી અસર વર્તાઇ હતી. જોકે, આ વર્ષે કોરોનાનું ગ્રહણ દૂર થતાં શહેરમાં ૬ મહિના પહેલાથી જ ગરબા ક્‍લાસિસ શરૂ થઇ ગયા હતા. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં ખેલૈયાઓની સંખ્‍યામાં ૧૦થી ૨૫ ટકાનો વધારો થઇ ગયો હોવાનો મત અપાઇ રહ્યો છે. નવરાત્રી મહોત્‍સવના નિર્ણાયક અને ગરબા ક્‍લાસિસ સંચાલકના જણાવ્‍યા મુજબ, સુરતમાં ગરબા ક્‍લાસિસની સંખ્‍યા પણ વધી છે. આ વર્ષે ૨૫૦ જેટલા ક્‍લાસિસ કાર્યરત છે. કેટલાક ક્‍લાસિસ તો છેક જાન્‍યુઆરી માસથી શરૂ થઇ ગયા હતા. જયારે જૂન માસથી ખેલૈયાઓની સંખ્‍યા દેખાઇ રહી હતી. ક્‍લાસિસમાં ૨૦૦થી માંડીને ૧ હજારની સંખ્‍યામાં ખેલૈયાઓ નોંધાયા છે.

 

પર્સનલ ગરબા ટીચરનો ક્રેઝ

ગરબા આયોજનના નિર્ણાયક રૂપેશ વકીલના જણાવ્‍યા મુજબ, નવરાત્રી પર્વ નજીક આવ્‍યો હોય ગરબા ક્‍લાસિસમાં હાલમાં પ્રોફેશનલ ખેલૈયાઓ, કોમર્શિયલ આયોજનોમાં રમવા જવાના હોય એ ખેલૈયાઓને દોઢથી બે કલાક નોનસ્‍ટોપ દોઢિયાની પ્રેક્‍ટિસ કરાવવામાં આવી રહી છે. જયારે હવે બીજા રાઉન્‍ડમાં દાંડિયા સ્‍ટેપનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ બીજા રાઉન્‍ડમાં દાંડિયા રમવાનું વધારે પસંદ કરે છે. વળી, શેરી અને સોસાયટીમાં ગરબાના આયોજનો વધવાની સાથે જ પર્સનલ ગરબા ટીચરનો ક્રેઝ પણ વધ્‍યો છે. શેરી, સોસાયટીમાં ૨૦થી ૫૦ સભ્‍યો મળીને પર્સનલ ગરબા ટીચર રોકે છે. ગરબા ટીચર રોજ શેરી, સોસાયટીમાં આવી પ્રેક્‍ટિસ કરાવે છે.

(10:40 am IST)