Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

નવાસારી નગરપાલીકાનાં અધિકારીઓથી ભાજપી નગરસેવકો પણ અકળાયા ! : પાણી ભરાવાની સમસ્‍યા હલ ન થતા આંદોલનની ચિમકી ઉચ્‍ચારી

નવસારીમાં શ્રમીકોનાં વિસ્‍તારમાં વસ્‍તા લોકોની દયનીય સ્‍થિતી : પાલિકા પ્રમુખ અને સી.ઓ.ની બે માસ પહેલા સ્‍થળ વિઝીટ છતા કોઈ કાર્યવાહી નહિ

નવસારી તા.૨૧ : નવસારી જિલ્‍લાનાં તિધરા નવી વસાહતમાં વસતા લોકો આજે પણ નર્કાગાર જેવી સ્‍થિતીમાં જીવી રહ્‍યા છે. વરસાદ આવતાની સાથે આ ગલીઓમાં વર્ષોથી પાણી ભરાય છે. જેનાથી ત્‍યા વસતા રહીશોએ ત્રસ્‍ત થઇ અને અનેક વખત નગરપાલીકા તંત્રને રજૂઆત કરી છે. જેમાં હવે ઉપરી અધીકારીઓથી ભાજપી નગરસેવકો પણ અકળાઈ વિરોધી સૂર દર્શાવી રહ્‍યા છે. અને જો આગામી સમયમાં સમસ્‍યાનો હલ નહિ થાય તો સ્‍થાનીકો સાથે મળી આંદોલનની ચિમકી પણ ઉચ્‍ચારી છે.

જિલ્લાના તીઘરા નવી વસાહતની ગલીઓમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકો ત્રસ્ત, ભાજપી નગરસેવક પણ અકળાયા હતા. ચોમાસુ આવતા જ શહેરમાં સમસ્યાઓની ભરમાર ઉભી થાય છે. ત્યારે વર્ષોથી પાણી ભરાવા સાથે ડ્રેનેજ અને ગંદકીની સમસ્યાથી ત્રસ્ત તીઘરા નવીવસાહતના શ્રમિકો સાથે જ ભાજપી નગરસેવકે પણ પાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પણ કાયમી ઉકેલ ન આવતા રોષ ઠાલવ્યો હતો. સાથે જ સમસ્યાનું સમાધાન ન આવે, તો આંદોલન સિવાય છૂટકો ન હોવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

ચોમાસાની શરૂઆત થઈ છે, પણ પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ થોડા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે. જેમાં વોર્ડ નં. 13 મા આવેલા તીઘરા નવી વસાહત, જે શ્રમિકોની વસ્તી છે, ત્યાં છેલ્લા 15 વર્ષોથી વરસાદી પાણી નાની નાની ગલીઓમાં ભરાત અહીં રહેતા ગરીબોને આવવા જવામાં મુશ્કેલી સાથે જ પાણીને કારણે કાદવ કીચડ થતા મચ્છર અને માખીનો ઉપદ્રવ થતા લોકો બીમારીનો ભોગ બને છે. ત્યારે બે દિવસોથી પડી રહેલા વરસાદને પગલે નવી વસાહત વિસ્તારની છેલ્લી ગલીમાં પાણી ભરાવાને કારણે સ્થાનિક રહીશો ત્રસ્ત થયા છે. સાથે જ વરસાદી પાણીના ભરાવાને કારણે ડ્રેનેજ પણ ઉભરાઈ જતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ છે. ત્યારે વારંવારની સ્થાનિક નગરસેવકો અને પાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું સમાધાન આવ્યું નથી. જેથી સ્થાનિકો પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે.

 

નવસારી નગરપાલિકામાં ભાજપી નગસેવકોનું અધિકારીઓ અને કર્મચારીઓ સાંભળતા ન હોય એવી સ્થિતિ બનવા પામી છે. જેનું ઉદાહરણ પાલિકા પ્રમુખના ફોન વેરા અધિકારીએ ન ઉંચકતા તેને સજાના ભાગ રૂપે વોટર વર્ક્સ સમિતિના કી-મેન બનાવી દીધો હતો. જ્યારે ગત દિવસોમાં પાણી સમસ્યાને લઈ વોર્ડ નં. 2 ના ભાજપી નગરસેવકે શહેરભરની કચરા ગાડીઓને અટકાવી પાલિકાને બાનમાં લેવી પડી હતી, ત્યારે શહેરના વોર્ડ નં. 13 માં પણ વરસાદી પાણીના ભરાવાને કારણે વર્ષોથી હેરાન થતા તીઘરા નવી વસાહતના રહેવાસીઓએ અગાઉ કોંગ્રેસી નગરસેવકો અને હવે સવા વર્ષથી ભાજપી નગરસેવકોને પાણી, ડ્રેનેજ, સફાઈ મુદ્દે વારંવારની રજૂઆત બાદ પણ પાલિકાએ કામગીરી નથી કરી. બે મહિના અગાઉ પાલિકા પ્રમુખ અને સીઓએ પણ સ્થળ વિઝીટ કર્યા બાદ પણ કામ ન થતા ભાજપી નગરસેવક પણ અકળાયા છે. પાલિકા સમસ્યાનું કાયમી સમાધાન ન કરે તો સ્થાનિકો સાથે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.

(5:35 pm IST)