Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

નવી મતદાર નોંધણી-બુથ-BLO તાલીમ-વોટર્સ કાર્ડ સ્‍ટાફ તાલીમ સહિતની બાબતે પી.ભારથીની સમીક્ષા

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ : મતદાર જાગૃતિ જોરશોરથી ચલાવો : રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી દ્વારા તમામ કલેકટરો પાસેથી વિગતો મેળવાઇ

રાજકોટ તા. ૨૧:  રાજયની વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને રાજય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી વિડીયો કોન્‍ફરન્‍સમાં જિલ્લા કલેક્‍ટરશ્રી અરુણ મહેશ બાબુ કલેકટર કચેરી ખાતેથી સામેલ થયા હતા.

રાજયના મુખ્‍ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારથીની અધ્‍યક્ષતામાં આ વિડીયો કોન્‍ફરન્‍સ યોજાઈ હતી, જેમાં નવી મતદાર નોંધણી, ઇ.વી.એમ. મશીનના વેરહાઉસ, ચૂંટણી બુથ, બી.એલ.ઓ ટ્રેનિંગ, વોટર્સ કાર્ડ, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થનારા સૌ કોઈની ટ્રેનિંગ, મતદાન મથકો ભૌગોલિક પરિસ્‍થિતિ પ્રમાણે ગોઠવવા, વગેરે બાબતો વિષે આ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. નવા મતદારોમાં તમામ માધ્‍યમો દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની અને વોટર અવેરનેસ ફોરમની પ્રવૃત્તિને વેગ આપવા આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્‍યો હતો. શ્રીમતી પી. ભારથીએ રાજયભરના તમામ જિલ્લાઓની ચૂંટણીલક્ષી માહિતી સંબંધિત કલેકટર્સ પાસેથી મેળવી હતી અને જરૂરી આદેશો આપ્‍યા હતા.

રાજયભરના તમામ જિલ્લાઓના કલેકટર્સ આ મિટિંગમાં ઓનલાઇન જોડાયા હતા.  આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી કે.બી.ઠક્કર, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી કે.જી. ચૌધરી,  કે.વી.બાટી,  જયેશ લીખીયા,  સંદીપ વર્મા, પ્રજ્ઞા ગોંડલીયા, એ.ડી. જોશી, વીરેન્‍દ્ર દેસાઇ, મામલતદારો તથા ચૂંટણી સાથે સંકળાયેલ કર્મચારીઓ જોડાયા હતા.

 

(3:40 pm IST)