Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

રાજ્યની શાંતિને ડહોળનારને તત્વ જેલ ભેગા કરવા ચીમકી

પદ્માવતને લઇને વિરોધ વચ્ચે ડીજીપીની ચેતવણી : કાયદો હાથમાં લેનારા તત્વોને બક્ષાશે નહી : નાગરિકોની સુરક્ષા, મિલ્કત-સંપત્તિના રક્ષણ માટે પોલીસતંત્ર કટિબદ્ધ

અમદાવાદ,તા. ૨૧ :    પદ્માવત ફિલ્મને લઇ ગુજરાતભરમાં ઠેર-ઠેર રાજપૂત સમાજ દ્વારા થઇ રહેલા જોરદાર વિરોધ, તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બાદ રાજયની શાંતિ ડહોળાઇ છે ત્યારે ખુદ રાજયના ડીજીપી પ્રમોદકુમારે આજે પત્રકાર પરિષદ બોલાવી સ્પષ્ટ જાહેરાત કરી હતી કે, જે કોઇ તત્વો ગુજરાતની શાંતિ ડહોળશે અને કાયદો હાથમાં લેશે, તેઓને જેલભેગા કરીશું. રાજયના પોલીસ મહાનિર્દેશક પ્રમોદકુમારે આવા તોફાની તત્વો વિરૂધ્ધ આકરી કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જે કોઇ થિયેટર માલિકો ફિલ્મનું રિલીઝ કરવા માંગતા હશે તેઓને પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પદ્માવત ફિલ્મને લઇ સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદા અને ખાસ કરીને તેની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ તંત્ર કટિબધ્ધ છે. રાજયમાં અમદાવાદ, મહેસાણા, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળો સહિતની જગ્યાઓએ તોડફોડ, એસટી બસોમાં આગ ચાંપવાના અને હાઇવે ચક્કાજામના બનાવો સામે આવ્યા છે. જેમાં પોલીસે કડક કાર્યવાહી કરી રાજયમાં અત્યારસુધીમાં પંદર જેટલા ગુનાઓ નોંધ્યા છે. પોલીસ દ્વારા  માર્ગો પર સતત પેટ્રોલીંગ કરી વીડિયોગ્રાફી પણ થઇ રહી છે. રાજયના ધોરીમાર્ગો પર પોલીસના ખાસ પોઇન્ટ અને સતત પેટ્રોલીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.  અસરકારક પેટ્રોલીંગ વાહનોની સંખ્યામાં ત્રણ ગણો વધારો પણ કરવામાં આવ્યો છે.  પદ્માવત ફિલ્મની રિલીઝને લઇ રાજયમાં પ્રવર્તી રહેલી સમગ્ર પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે.  આ સિવાય અમદાવાદ સહિત રાજયભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે છ આઇજી, ડીઆઇજી, ૨૫૦થી વધુ પીએસઆઇ, આઠ એસઆરપી કંપનીઓ, બે આરએએએફ કંપનીઓ, ૧૧ હજાર તાલીમાર્થી જવાનો, તદુપરાંત હોમગાર્ડ અને જીઆરડીના જવાનોને પણ વિવિધ સ્થળોએ અને સંવેદનશીલ પોઇન્ટ પર તૈનાત કરાયા છે. ડીજીપી પ્રમોદકુમારે તોફાની તત્વોને ચેતવણી આપવાની સાથે સાથે બીજીબાજુ, રાજયના થિયેટર માલિકોને પણ સુરક્ષાનું આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, જે થિયેટર માલિકો તેમના થિયેટરમાં પદ્માવત ફિલ્મને રિલીઝ કરવા ઇચ્છતા હોય તે કરી શકે છે, પોલીસ દ્વારા તેમને પૂરતું રક્ષણ પૂરુ પાડવામાં આવશે. રાજયના સંવેદનશીલ વિસ્તારો અને પોઇન્ટો પર અસરકારક સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઇ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

(9:31 pm IST)