Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ગુજરાત પોલીસ મુંઝવણમાં: કેટલો દારૂ પકડાય તો કેટલી સજા કરવી?

ગુજરાતની પોલીસ જ ગુજરાતના દારૂબંધીના કાયદા અંગે સ્પષ્ટ નથીઃ પોલીસ અને કોર્ટ બંને વિમાસણમાં મૂકાઇ ગયા છે

નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાતની પોલીસ જ ગુજરાતના દારૂબંધીના કાયદા અંગે સ્પષ્ટ નથી. ગુજરાત પ્રોહિબિશન (અમેન્ડમેન્ટ) એકટ ૨૦૧૭ મુજબ ગુજરાતમાં દારૂબંધીના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે અને જેલની સજા વધારીને ૧૦ વર્ષ કરી દેવાઈ છે. અગાઉ આ સજા ત્રણ વર્ષ જેટલી હતી. વળી, દંડ પણ રૂ. ૧૦૦૦થી વધારીને રૂ. ૫ લાખ કરી દેવામાં આવ્યો છે.

પોલીસે રાજયના ગૃહમંત્રાલયને દારુના જથ્થા અંગે સ્પષ્ટતા કરવા જણાવી છે જેથી વ્યકિતને આ કાયદાની કલમ 65AA અંતર્ગત ત્રણ વર્ષની જેલ કરવી કે પછી 65 E હેઠળ ૧૦ વર્ષની કડક જેલની સજા કરવી તે ખબર પડે. સરકારે હજુ સુધી નોટિફિકેશન બહાર પાડીને દારૂના જથ્થા અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી. આ કારણે પોલીસ અને કોર્ટ બંને વિમાસણમાં મૂકાઈ ગયા છે.

સોમવારે CIDના DGP (ક્રાઈમ એન્ડ રેલવેઝ) આશિષ ભાટિયાએ ACS હોમને પત્ર લખી દારુના જથ્થા અંગે સ્પષ્ટતાના અભાવ તરફ ધ્યાન દોર્યું હતુ. આ સ્પષ્ટતાને કારણે નવા અને કડક કાયદા અંતર્ગત ઝડપાયેલા લોકો સામે કાયદાકીય પગલા ભરવામાં મુશ્કેલી પડી રહી છે.

પોલીસે સરકારને જણાવ્યું છે કે ૨૦૧૬ના એમેન્ડમેન્ટમાં કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે કલમ 66E અને 65AA અંતર્ગત કેસ જુદા તારવવા તેમના માટે અઘરા બની રહ્યા છે.

(11:31 am IST)