Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ડીસાની મુકબધીર સગીરા પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને ફાંસીની સજા આપો : કેન્ડલ માર્ચ યોજાઈ

વિવિધ બેનરો સાથે ન્યાયની માંગ તેમજ આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી

ડીસાની મુકબધીર સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ બાદ ગળું કાપી કરપીણ હત્યા કરાઈ હતી. જેને લઈ સમગ્ર ડિસાવાસીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.11 વર્ષીય મુકબધીર સગીરાનું ડીસામાંથી અપહરણ કરી અવાવરું જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સગીરાનું ગળું કાપી હત્યા કરી દેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી

 . પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી તો હાથ ધરી છે, પરંતુ આરોપીને કોઈ છટકબારી ન મળે અને આરોપીને ફાંસીની સજા થાય તે માટે આજે સાંજે ડીસામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

 બાળકીઓએ વિવિધ બેનરો સાથે ન્યાયની માંગ તેમજ આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરી હતી. સમગ્ર ડીસામાંથી ઉમટેલી જનમેદનીએ જણાવ્યું હતું કે, આરોપીને ફાંસીની સજા થાય અને આરોપીઓ અન્ય છે કે કેમ જે બાબતે પોલીસ તટસ્થ તપાસ કરે, સાથે હત્યા કેમ કરાઈ તેની પણ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. બાળકી હત્યા બાદ આજે પ્રથમ વખત તેના પિતા મીડિયા સમક્ષ આવ્યા હતા. પિતાએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, આરોપીને જો છોડી મુકવામાં આવશે તો માથાનો બદલો માથાથી લઈશું અને ફાંસીની સજા માટે હું જે પણ કરવું પડે તે કરવા તૈયાર છું.

(1:22 pm IST)