Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અમદાવાદ:નિવૃત્ત સેશન્સ કોર્ટના જજને જુદા જુદા નબરો પરથી 42 વખત ફોન કરીને ધમકી આપનારની ધરપકડ

સોલા પોલીસમાંથી બોલે છે અને તેમની સામે એફઆઈઆર થઇ છે. તેમ કહ્યું જેથી ડો.જ્યોત્સનાબેને હોદ્દો અને બક્કલ નંબર પૂછતા ફોન કરનારે બીભત્સ ગાળો બોલી

અમદાવાદ :નિવૃત સેશન્સ જજને ફોન કરી ધમકી આપનારની ધરપકડ કરાઈ છે, જ્યોત્સનાબેનના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરતી મહિલા વિરુદ્ધ ફરિયાદ થઇ હોવાનું કહીને પોલીસ તરીકે ઓળખ આપીને ફોન પર ધમકી આપવામાં આવી હતી.

નવરંગપુરામાં ચીનાઈબાગ ફલેટમાં રહેતા કાંતિલાલ રાઠોડ(ઉં.69)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પત્ની ડો.જ્યોત્સનાબેન યાજ્ઞિક સેશન્સ જજમાંથી નિવૃત્ત થયા છે અને હાલ આર.બી.ટ્રેટર અને ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેટ જ્યુડિ.એકેડેમીમાં જજીસને ટ્રેનિંગ આપે છે. દરમિયાન ડો.જ્યોત્સનાબેનની તબિયત ખરાબ હોવાથી ઘરઘાટી તરીકે પ્રવેશબેન વન્સકારને રાખી છે. પ્રવેશબેને તેના પતિ ચંદ્રપ્રકાશ વન્સકાર વિરુદ્ધ ઓગસ્ટ,2021માં સોલા પોલીસમાં શારીરિક-માનસિક ત્રાસ અંગેની ફરિયાદ આપી હતી.

17 ઓગસ્ટે પ્રવેશબેનને ફોન આવ્યો હતો, જેમાં સામેવાળા માણસે, સોલા પોલીસમાંથી બોલે છે અને તેમની સામે એફઆઈઆર થઇ છે. તેમ કહ્યું હતું, જેથી ડો.જ્યોત્સનાબેનને ફોન આપતા તેમણે હોદ્દો અને બક્કલ નંબર પૂછતા ફોન કરનારે ડો.જ્યોત્સનાબેનને બીભત્સ ગાળો બોલી હતી. ત્યારબાદ 17થી 18 ઓગસ્ટ સુધીમાં ડો.જ્યોત્સનાબેનના ફોન પર 2 જુદા-જુદા નંબર પરથી 42 વખત ફોન કરીને ગાળો બોલી ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસે ચંદ્રપ્રકાશની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે તે દારૂ પીધેલો હોવાથી તેની સામે પ્રોહિબિશનનો બીજો ગુનો નોંધી સોલા પોલીસે તેને નવરંગપુરા પોલીસને સોંપ્યો હતો

(9:01 pm IST)