Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સુરતના પીપલોદમાં ઘર નીચે રમી રહેલા માસુમ બાળકનું અજાણ્યા વાહન અડફેટે મોત:પરિવારમાં માતમનો માહોલ

ઉમરા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

સુરતમાં ઘર નીચે રમી રહેલા માસુમ બાળકનું અજાણ્યા વાહન અડફેટે મોત થતા પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવને લઈ ઉમરા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પીપલોદમાં ગત સાંજે વાહન અડફેટે એક માસુમ બાળકનું મોત થયું હતું. બાળક પોતાના ઘર નીચે રમી રહ્યો હતો, તે વેળા કોઈ અજાણ્યા કાર ચાલક અડફેટે બાળકને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બાળકને તાત્કાલિક સારવાર માટે પરિવારજનો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે, ત્યા હાજર તબીબે બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

જો કે, બાળકના મોત બાદ પણ પરિવાર દ્વારા એની આંખ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હતી. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે. જો કે લગભગ સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય એમ કહી શકાય છે.

(8:40 pm IST)