Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

દંડના નામે ઉઘાડી લૂંટ બંધ કરવા કિશોર કાનાણીએ પત્ર લખ્યો

મંત્રી કિશોર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો : સુરત શહેરમાં રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકોને પોલીસ તરફથી ભારે હેરાનગતિ કરવામાં આવી રહી છે

સુરત,તા.૨૦ : સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી દંડના નામે ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ માનવતાના ધોરણે બંધ કરવા રાજ્ય આરોગ્ય મંત્રી કિશોર કાનાણી (કુમાર)એ ટ્રાફિક ડીસીપીને પત્ર પાઠવી રજુઆત કરી છે. આ ઉપરાંત આ રીતે ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ નહીં કરવામાં આવે તો જાતે રસ્તા પર ઉતરી વિરોધ કરવા અંગેની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. આ મામલે તેઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજુઆત કરવા સુધીની તૈયારી બતાવી છે. કોરોનાકાળ દરમિયાન લોકોના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. માંડ માંડ સ્થિતિ હાલ થાળે પડી રહી છે. તેવામાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી બેફામ દંડના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકોને પોલીસ તરફથી ભારે હેરાનગતિ કરવામાં આવી રહી છે.

     આ બાબત રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાણાનીના ધ્યાને આવતા તેઓએ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુંબેને પત્ર લખી તાત્કાલિક ધોરણે વાહન ચાલકો પાસેથી ચલાવવામાં આવતી લૂંટ બંધ કરવા રજુઆત કરી છે. આરોગ્ય મંત્રીએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે, કોરોના કાળ દરમિયાન ધંધા-રોજગાર પડી ભાંગવાના કારણે લોકો પહેલાથી પડી ભાંગ્યા છે. પોલીસ દ્વારા ટ્રાફિકના દંડના નામે કરવામાં આવતી હેરાનગતિથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોજ ટ્રાફિક પોલીસના ટોળા રસ્તા પર દંડ ઉઘરાવવા માટે ઉતરી પડે છે. આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે કે પછી દંડ ભરે તેવી સ્થિતિ ઊભી થઇ છે. કુમાર કાનાણીએ જણાવ્યુ છે કે પોલીસની આ નીતિને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. જો પોલીસ મારા આ લેટર બાદ પણ પોતાની આ નીતિ બંધ નહીં કરે તો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવવામાં આવશે.

   જરૂર પડ્યે રાજ્યના મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, સુરતના ધારાસભ્યો દ્વારા પણ વાહન ચાલકો પાસેથી દંડના નામે ચલાવાતા ઉઘરાનાની કામગારી બંધ કરવા રજુઆત કરવામાં આવી હતી. જે બાદ માસ્ક સિવાયની કાર્યવાહી બંધ કરવા શહેર પોલીસને સૂચના આપવામાં આવી હતી. છતાં પોલીસે રાજ્ય સરકારના આદેશોને પણ ઘોળીને પી જતા આખરે નાછૂટકે રાજ્ય આરોગ્ય મંત્રીએ પત્ર લખી ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ કરવા રજુઆત કરી છે. વાતચીત કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અનેક એવા પરિવારો છે જે એક કે બે મશીન સાથે કામ કરતા હોય છે. તેઓ સ્કૂટર પર જ કાપડના પોટલા લઈને જતા હોય છે. પોલીસ તેમને પકડીને દંડ ફટકારે છે. અનેક એવા પરિવાર છે જે કાપડ માર્કેટમાંથી સવારે ઘરે કામ લાવે છે અને સાંજે આ કામ સ્કૂટર પર પરત આપવા જતા હોય છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસ તેમને ૫૦૦-૭૦૦ રૂપિયાનો દંડ ફટકારે છે. સારવારે પરિવારની આખા દિવસની મહેનત દંડમાં જતી રહે છે. સરકારની સૂચના છતાં માસ્ક સિવાયના દંડ ફટકારવામાં આવી રહ્યા છે. જે સત્વરે બંધ થવા જોઈએ.

(7:31 pm IST)