Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મહિલા પર ટ્રેનિંગ સ્કૂલના સંચાલકે રેપ કરી માર માર્યો

મહિલાને સંબંધીના ઘરે લઈ જઈને બળાત્કાર ગુજાર્યો : મહિલાના લગ્ન અમદાવાદ શહેરમાં થયા હતાં, પરંતુ પતિ સાથે મેળ ના હોવાથી માતાપિતા સાથે રહેતી હતી

સુરત,તા.૨૦ : પતિથી અલગ રહેતી એક ૩૫ વર્ષીય મહિલા પર ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવતા શખશે કથિત બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદી મહિલા શહેરના વેડરોડ વિસ્તારમાં રહે છે. તે હીરાબાગમાં આવેલી એક મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં કાર ડ્રાઈવિંગ શીખવા માટે જતી હતી. જોકે, તેનો ઈન્સ્ટ્રક્ટર તેની સાથે નજદીકી કેળવીને તેને પોતાના સંબંધીના ઘરે લઈ ગયો હતો, અને ત્યાં તેના પર રેપ ગુજાર્યો હતો. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે, અમદાવાદમાં પરણેલી સીમા (નામ બદલ્યું છે) પતિ સાથે મનમેળ ના હોવાથી સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા પોતાના માતાપિતા સાથે રહેતી હતી. સીમા છેલ્લા કેટલાક દિવસોથી હીરાબાગ ખાતે આવેલી એક ડ્રાઈવિંગ સ્કૂલમાં કાર ડ્રાઈવિંગ શીખવા માટે જતી હતી. જ્યાં તેનો પરિચય ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવતા હર્ષદ (નામ બદલ્યું છે) સાથે થયો હતો.

    હર્ષદે કાર ચલાવવાના બહાને સીમાની સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. તેની સાથે નજદીકી કેળવ્યા બાદ એક દિવસ હર્ષદ સીમાને બહાનું કરીને કાપોદ્રાની સ્વામિનારાયણ સોસાયટીમાં આવેલા પોતાના સંબંધીના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે સીમાને એક રુમમાં લઈ ગયા બાદ બીયર પીધું હતું, અને ત્યારબાદ સીમા પર દુષ્કર્મ આચર્યું હતું. સીમાનો આક્ષેપ છે કે જબરજસ્તી ફિઝિકલ થયા બાદ હર્ષદે તેને લાફો પણ મારી દીધો હતો. ત્યારબાદ તે સીમાને ત્યાંથી લઈ ગયો હતો, અને તેને હીરાબાગ સર્કલ ઉતારીને ઘરે જતા રહેવા માટે કહ્યું હતું. આ દરમિયાન સીમા ઘરે પહોંચી ત્યારબાદ તેને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તે પોતાના ભાઈને લઈને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી હતી. હોસ્પિટલમાં તેના પર રેપ થયો હોવાનું ખૂલતા આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે સીમાની ફરિયાદ નોંધીને આરોપીની બળાત્કાર અને એટ્રોસિટીના આરોપ હેઠળ ધરપકડ કરી હતી. આરોપીનો ભાઈ સુરતમાં કોર્પોરેટર હોવાની પણ ચર્ચા છે.

(7:28 pm IST)