Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

નડિયાદમાં માસૂમ બાળકોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ :મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા રેકેટ ચલાવતી હોવાનો ખુલાસો

સગર્ભા મહિલાઓનો સંપર્ક કરી,રૂપિયાની લાલચ આપતા અને નવજાત બાળકોને ખરીદી લેતા: કૌભાંડને રંગે હાથે ઝડપી પાડવા માટે પોલીસની ટીમ દ્વારા ડમી ગ્રાહક મોકલી કૌભાંડ ઝડપ્યું : ચાર મહિલાઓને પકડી પડાઈ

નડિયાદમાં માસૂમ બાળકોને વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના આરોપીઓ ગરીબ અને સગર્ભા મહિલાઓનો સંપર્ક કરવામાં આવતો અને ત્યાર બાદ તેમને રૂપિયાની લાલચ આપતા અને તેમના નવજાત બાળકોને ખરીદી લેતા હતા હોવાનું સામે આવ્યું છે. મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા આ તમામ રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, નાના બાળકોનું ખરીદ-વેચાણ થતું હોવાનું પોલીસને બાતમી મળી હતી કે, માયા નામની મહિલા બહારના રાજ્યની ગરીબ પ્રેગ્નેટ મહિલાઓને નડિયામાં લાવીને તેમની ડિલીવરી કરાવે છે અને બાદમાં તેમનું બાળક બીજાને વેચી દે છે. આ માટે તે મોટી રકમ આપીને મહિલાઓને લાલચ આપી હતી. મહિલાઓને લલચાવીને તેમના બાળકને અન્ય બીજી મહિલા એજન્ટ મારફતે વેચી દેતી હતી. બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં બાળક વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.

જેથી આ કૌભાંડને રંગે હાથે ઝડપી પાડવા માટે પોલીસની ટીમ દ્વારા એક તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. જેમાં માયાએ બાળક થોડી વારમાં લાવી આપવાનું કહ્યું હતું. થોડા સમયા બાદ એક બહેન નાનુ બાળક લઇ સંતરામ મંદિરની બાજુમાં આવેલ શાકમાર્કેટમાં લઈ આવી હતી. આ મહિલાએ બાળક ત્રણ મહિલાઓ પૈકી એક મહિલાને આપ્યું હતું. આ બાદ બાળકના બદલામાં 6 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. આ બાદ પોલીસની ટીમે ચારેબાજુથી મહિલાઓને કોર્ડન કરીને પકડી લીધી હતી. જેમાં મોનિકાબેન (વા./ઓ. મહેશભાઇ પ્રવિણભાઇ શાહ), પુષ્પાબેન (વા. ઓ. સંદિપભાઇ બહેચરભાઇ પટેલીયા), માયાબેન (વા./ઓ. લાલજીભાઇ રણછોડભાઇ ડાંભલા) અને રાધિકાબેન (વા./ઓ. રાહુલભાઇ મશરામભાઇ ગેડામ) ને પકડી લેવામાં આવી હતી. આ અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

(8:58 pm IST)