Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના ખેરગામ તાલુકામાં છેલ્લા 2 મહિનામાં અનેક પશુઓ બિમારીમાં સપડાયાઃ ગૌમાતામાં રોગનું પ્રમાણ વધુ

સરકારી પશુ દવાખાનામાં અત્‍યાર સુધીમાં 150 પશુઓની સારવાર કરાઇ

નવસારી: કોરોના મહામારી હજુ ગઈ નથી ત્યારે હવે પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ નામનો રોગ જોવા મળતાં આરોગ્ય વિભાગમાં દોડધામ જોવા મળી રહી છે. નવસારીના ખેરગામ તાલુકામાં છેલ્લા બે માસમાં અનેક પશુઓ બીમારીમાં સપડાયા છે. જેને કારણે પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. રોગ ખાસ કરીને ગાયમાં વધુ જોવા મળે છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ ઘણા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે. પશુપાલનના પૂરક વ્યવસાય થકી આર્થિક રીતે ઘણા પરિવારો પગભર થયા છે. પરંતુ હાલમાં નવસારી જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ નામના રોગે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ખેરગામ વિસ્તારોમાં છેલ્લા બે માસથી લમ્પી સ્કીન ડિસીસ નામના રોગના પેસારાથી પશુપાલકો ભયથી ફફડી રહ્યા છે. ખેરગામ તાલુકામાં રોગ પહેલીવાર જોવા મળ્યો છે.

ખાસ કરીને ગાયમાં રોગ વધુ ફેલાય છે. જેમાં પ્રાણીને પહેલા તાવ આવે છે. અને પછી શરીર પર ગુમડા નીકળીને ચાંદાં પડે છે. છેલ્લા 2 મહિનાથી રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને અત્યાર સુધી ખેરગામના સરકારી પશુ દવાખાનામાં 100 થી 150 જેટલા પશુને રોગની સારવાર આપવામાં આવી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ ફેલાયેલી હોય છે ત્યારે લોકો પશુઓને બચાવવા માટે અંધશ્રદ્ધાના રવાડે પણ ચઢ્યા છે. જોકે સરકારી પશુ દવાખાનાના ડોક્ટરે ઘણા લોકોને સમજાવી પશુઓનું ઈલાજ કરતા ઘણા પશુઓ સારા પણ થયા છે. ત્યારે અંધશ્રદ્ધા છોડી લોકોએ પશુ ડોક્ટરની સલાહ લેવી વધુ હિતાવહ છે.

રોગમાં પશુને તાવ આવે છે અને શરીરે ગુમડા જોવા મળે છે. સાથે પશુ દૂધ ઓછું આપતું થઈ જાય છે. જો આવા લક્ષણો પશુમાં દેખાય તો પશુપાલકે ગભરાવાની જગ્યાએ નજીકના પશુચિકિત્સકની સલાહ લેવી જોઈએ. રોગને ફેલાવાથી બચવા માટે સૌથી પહેલા અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું જોઈએ. પશુની બાંધવાની જગ્યા માખી, મચ્છર અને કથીરી રહીત રાખવી. રોગથી સંક્રમિત પશુને ખોરાક અને પાણી અલગ આપવુ. અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું. પશુ રહેઠાણ અથવા વાડાઓને જીવાણુંનાશક દવાઓનો છંટકાવ કરતા રહેવું. તેમજ ધુમાડો કરવો જેવી કાળજી રાખવાની ખાસ જરૂરિયાત છે તેવું ખેરગામના પશુ ચિકિત્સક જે.એમ બાલવાનીએ જણાવ્યું.

(4:47 pm IST)