Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વડોદરા:શેરબજારમાં ઈન્વેસ્ટ કરી ઊંચું વળતર આપવાની લોભામણી ઓફર કરી લોકોને ફસાવતી ટોળકી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શેરબજારમાં ઈન્વેસ્ટ કરી ઊંચું વળતર આપવાની લોભામણી ઓફર કરતી ટોળકીની ચુંગાલમાં ફસાયેલા જુદા-જુદા બે યુવકોએ રૂપિયા ગુમાવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

વાસણા રોડની અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને ઈલેક્ટ્રીક નું ઓનલાઈન ઓર્ડર લઈ પિતાના વ્યવસાયમાં મદદરૂપ થતા 20 વર્ષીય પાર્થ દિલીપભાઈ પરદેશીએ પોલીસને કહ્યું છે કે,જુલાઈ-2020 માં મોન્ટુ ઠાકોર નામના યુવકનો ફોન આવ્યો હતો અને ફોરેક્સ ટ્રેડિંગમાં સારૂ વળતર મળશે તેવી લોભામણી વાતો કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઓફર કરી હતી.

શરૂઆતમાં રૂ 50000 નો પ્લાન એક્ટિવેટ કરાવતા તેમાં નિયમિત આવક મળી હતી. જેથી મોન્ટુ એ મને રૂ.1 લાખ ડિપોઝિટ પેટે ભરી બીજા પ્લાનની વાત કરી હતી. મને વિશ્વાસ નહીં આવતા આણંદ અમુલ ડેરી રોડ પર આવેલા એચ.આર. હબમાં એફ.એક્સ.એન. નામની ઓફિસમાં મોન્ટુ સાથે મીટિંગ કરી હતી. જે દરમિયાન તે પાલનપુરનો રહેવાસી હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ મેં રૂ. 75 હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ડિસેમ્બર બાદ મને મળતી આવક બંધ થઇ જતાં મેં તપાસ કરી હતી. મેં રૂપિયા પરત માંગતા મોન્ટુ એ મને રૂપિયા આપવાના બદલે રૂ.2.26 લાખ રૂપિયાની મારી પાસે ઉઘરાણી કરી હતી. આવી જ રીતે બીજા એક બનાવમાં રેસકોર્સના ગૌતમ નગરમાં રહેતા આકાશ બામણીયા નામના વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું છે કે, ઓક્ટોબર-2019 માં અજાણ્યા મોબાઈલ ધારકે ફોન કરી મને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ વિશે પૂછ્યું હતું. તેણે શેર માર્કેટમાં સારૂં વળતર મળશે તેવી સ્કીમો હોવાનું જણાવી મને વિશ્વાસમાં લીધો હતો અને તબક્કાવાર મારી પાસે રૂ 91 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ ત્યારબાદ મને મારી રકમ કે વળતર કાંઈ પરત મળ્યું નથી. પોલીસે આ અંગે વિજય સૈન્ય, સુરેશ ચંદાણી, તરૂણ સુરેશ ચંદાણી અને પ્રિયાંક શર્મા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:41 pm IST)