Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સુરતના પુણા વિસ્તારમાં ફોનમાં સટ્ટો રમતા એક વેપારીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

સુરત, : પુણા પોલીસે શુભમ એવન્યુ ડી.આર.વર્લ્ડની સામેથી અગાઉ પણ ઝડપાયેલા સટોડીયાને ઝડપી પાડી તેની પાસેથી આઈડી પાસવર્ડ મેળવી મોબાઈલ ફોનમાં સટ્ટો રમતા એક વેપારીને પણ સીતાનગર ચોકડી ખાતે બ્રિજ નીચેથી ઝડપી લીધો હતો. સટોડીયાની પુછપરછના આધારે પુણા પોલીસે રાજકોટમાં ઓનલાઈન જુગાર રમતા યુવાને હારજીતના હિસાબના આંગડીયામાં મોકલેલા રૂ.2 લાખ કબજે કરી આઈડી પાસવર્ડ આપતા મુખ્ય સૂત્રધાર જામજોધપુરના બ્રીજેશ ઉર્ફે કાનો સુદામા અને રાજકોટના યુવાનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએસઆઈ પી.કે.રાઠોડને મળેલી બાતમીના આધારે પુણા પોલીસે ગત સવારે શુભમ એવન્યુ ડી.આર.વર્લ્ડની સામેથી અગાઉ બે વખત વરાછા પોલીસના હાથે ઓનલાઇન જુગાર રમતા-રમાડતા અને જુગાર રમતા ઝડપાયેલા સટોડીયા નિલેશ ઉર્ફે બી.કે. મનસુખભાઈ રૂપારેલીયા ( ઉ.વ.45, રહે. ઘર નં.403/બી, શુભમ એવન્યુ ડી.આર.વર્લ્ડની સામે, આઈમાતા રોડ, પુણા, સુરત ) ને ઝડપી લીધો હતો. જોકે, પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી સટ્ટો રમતો હોય તેવી કોઈ એપ નહીં મળતા તે અંગે જાણવા જોગ નોંધ કરી તેની પુછપરછના વરાછા મીનીબાજર ડાયમંડ વર્લ્ડ સ્થિત પી.એમ. આંગડીયા પેઢીમાં રાજકોટના મેહુલ પરમારે હારજીતના હિસાબના મોકલેલા રૂ.1,99,800 પણ કબજે કર્યા હતા. નિલેશ ઉર્ફે બી.કેની વધુ પુછપરછ કરતા તેણે ઓનલાઈન સટ્ટો રમવા આઈડી પાસવર્ડ બ્રીજેશ ઉર્ફે કાનો સુદામા પાસેથી મેળવી આપતો હોવાની કબૂલાત કરી હતી.

(4:40 pm IST)