Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગાંધીનગરમાં માણસા તાલુકામાં માર્ગ બનાવવા માટે 78 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી

ગાંધીનગર:શહેરના પહોળા અને પાકા માર્ગો સિલીબ્રીટીઓને આકર્ષે છે પરંતુ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો હજુ પણ ખખડધજ છે. આ બાબતે સ્થાનિક ગ્રામજનોની માંગણીને પગલે માર્ગ અને મકાન તંત્ર દ્વારા વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે જે પૈકી તાજેતરમાં જાખોરા ગામ માટે ૭૮ લાખ તો માણસા તાલુકાના દેલવડાથી બિલોદરા વચ્ચેના માર્ગ માટે બે કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી છે.

કોરોનાકાળમાં માર્ગની નવીનિકરણની કામગીરી ઉપર બ્રેક વાગી ગઇ હતી. નવા કામો મંજુર કરવામાં આવતાં ન હતાં. ત્યારે બીજી લહેર પુર્ણ થતાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના સમારકામ અને નવીનિકરણની કામગીરી તેજ કરી છે. હાલ ચોમાસું ચાલી રહ્યું હોવાના કારણે ડામર કામ સદંતર બંધ છે. તેવી સ્થિતિમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને અગાઉની દરખાસ્ત પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના માર્ગોના નવીનિકરણ બાબતે વિભાગ સક્રિય બન્યું છે. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગાંધીનગર જિલ્લાના બે મહત્વના માર્ગોના નવીનિકરણ બાબતે ગ્રાન્ટની ફાળવણી કરી છે અને ભવિષ્યમાં આ માર્ગ બનશે તેવી જાહેરાત કરી છે જે અંતર્ગત ગાંધીનગર તાલુકાના જાખોરા ગામે જોગણી માતાજીના મંદિરથી ડેરીયા સુધીના માર્ગના નવીનિકરણ પાછળ ૭૮ લાખનો ખર્ચ અંદાજીને વિભાગ દ્વારા તેની મંજુરી આપી દેવામાં આવી છે.તો જિલ્લાના માણસા તાલુકામાં મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત દેલવાડાથી બિલોદરાને જોડતા માર્ગનું પણ નવીનિકરણ હાથ ધરવામાં આવશે. આ અંગે પણ નાયબ મુખ્યમંત્રીએ તાજેતરમાં જાહેરાત કરી હતી અને રૃપિયા બે કરોડની ફાળવણી પણ આ રોડને નવો બનાવવા માટે કરી છે. ઉલ્લેખનીય છે કેઅગાઉ વિભાગ દ્વારા આ માર્ગોના નવીનિકરણની દરખાસ્ત કરવામાં આવી હતી. જેના ઉપર નાયબ મુખ્યમંત્રીએ આખરે મહોર મારી છે.

(4:36 pm IST)