Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કોરોનાગ્રસ્ત ૩૨ થી ૯૫ વર્ષના દર્દીઓના શરીરમાં કોરોના બાદ લોહીના ગઠ્ઠા મળ્યા : લિવર ઉપર પણ વધારે અસર મળી

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં ૩૧ કોરોના મૃતકોની ઓટોપ્સીમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા

અમદાવાદ,તા.૨૦:કોરોનાથી મૃત્યુ પામેલા માનવ શરીર પર કેવા પ્રકારની અસરો થાય છે તે જાણવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજમાં ૩૧ જેટલી ઓટોપ્સી કરવામાં આવી છે. જેમાં અનેક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

ભારતમાં કોરોના મહામારીને દોઢ વર્ષથી પણ વધારેનો સમય પૂર્ણ થઈ ગયો છે. જેમાં કોરોનાની બીજી લહેરમાં સમગ્ર વિશ્વમાં અનેક કોરોનાનાં દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બીજી લહેર દરમ્યાન કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના શરીરમાં કોરોના વાયરસથી કેવા પ્રકારના ફેરફાર થાય છે તે જાણવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજમાં કોરોના ઓટપ્સી સેન્ટર શરૂ થયું હતું. જેમાં દર્દીઓના સગાની મંજૂરી લીધા બાદ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની ઓટોપ્સી કરવામાં આવી.

જેમાં જાણવા મળ્યું કે ૩૨ થી ૯૫ વર્ષના કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં કોરોના બાદ લોહીના ગઠ્ઠા જામવા લાગે છે. અને લિવર ઉપર પણ કોરોના વાયરસની વધારે અસર થાય છે. બી.જે મેડિકલ કોલેજમાં અત્યાર સુધી ૩૧ મૃતદેહની ઓટોપ્સી કરવામાં આવી છે.

જેમાં માનવ શરીરના ફેફસા, હૃદય અને સ્નાયુ સહિતના અલગ અલગ અવયવોની ઓટોપ્સી રિસર્ચ કરવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કામાં દર્દીઓના સગા તરફથી ઓટોપ્સી કરવા માટે સહમતી નહોતી મળતી. પરંતુ દર્દીઓના સગાનું કાઉન્સિલિંગ કર્યા બાદ ઓટોપ્સીની મંજૂરી મળતા અત્યાર સુધીમાં ૩૧ મૃતદેહોની ઓટોપ્સી કરવામાં આવી છે.

કોરોના રિસર્ચ માટે ઓટોપ્સીની પ્રક્રિયા અંગે રિસર્ચ માટે કોરોનાથી મૃતક મૃતદેહના શરીરના બધા જ અવયવોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મગજ, ફેફ્સાં, યકૃત, કિડની, હૃદય, પેટમાં રહેલું પાણી, બ્લડની અંદરના કોમ્પોનન્ટ અને સ્નાાયુનો સમાવેશ થાય છે. ઓટોપ્સી રિસર્ચમાં જાણવા મળ્યું કે કોરોના વાઇરસથી દર્દીઓના શરીરમાં લોહી જાડું થઈ જાય છે. પરિણામે શરીરમાંથી લોહીના ગઠ્ઠા જોવા મળ્યા હતા. સાથે જ દર્દીને ફાઈબ્રોસિસ થવું અને લિવરમાં પણ અમુક અંશે અસર થતી હોવાનું સામે આવ્યું છે,

એક ઓટોપ્સી રિસર્ચ કરવામાં અંદાજિત ૩થી ૪ કલાક જેટલો સમય લાગે છે. અને ઓટોપ્સી રિસર્ચ કરવા માટે નેગેટિવ પ્રેશર ધરાવતા સ્પેશિયલ રૂમની અંદર PPE કિટથી સજ્જ ડોકટર દ્વારા રિસર્ચ કરવામાં આવે છે. શરીરમાં કયા કયા અવયવોમાં કેવી અસર થાય છે તેના માટે સંપૂર્ણ સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી.

સેમ્પલને ત્રણથી ચાર દિવસ સુધી ખાસ પ્રકારના કેમિકલમાં રાખવામાં આવે છે. જેનાથી ડોકટરોને લેબોરેટરી પરીક્ષણ દરમ્યાન ચેપ લાગવાની શકયતા નહિવત થઈ જાય છે.મહત્વનું છે કે ઓટોપ્સી કરનાર તબીબની સલામતી માટે તેમને અઠવાડિયા સુધી આઈસોલેટ કરવામાં આવે છે.

ડાયાબિટીસ, બ્લડ પ્રેસર જેવી ગંભીર બીમારી હોય તેવા દર્દીઓના વધુ પ્રમાણમાં મૃત્યુ પામ્યા હતા. જોકે આવા દર્દીઓનું ઓટોપ્સી કરવું મુશ્કેલ હોય છે. જેને કારણે જે દર્દીઓને કોઈપણ પ્રકારની બીમારી ન હોય અને કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓના મૃતદેહ પર ઓટોપ્સી કરવામાં આવી હતી. જેમાં અનેક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

(9:02 pm IST)