Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ખાનગી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ ચલાવવા મંજૂરી આપો : શાળા સંચાલક મહામંડળ

સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાના નામે માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગનું ઉલ્લંઘન છતા મંજુરી : ખાનગી શાળાઓને અન્યાય દૂર કરવા સરકારને પત્ર દ્વારા રજૂઆત

રાજકોટ, તા. ૨૦ :. ગુજરાતમાં ખાનગી શાળામાં પ્રાથમિક ધોરણ ચાલુ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા સરકારમાં પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

કોરોના સંક્રમણથી વિદ્યાર્થીઓને બચાવવા સરકારશ્રી દ્વારા ઘણા સમય સુધી શાળાઓ બંધ રાખવામાં આવ્યા બાદ હાલમાં જ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તેમ છતાં હજુ પ્રાથમિક વિભાગ માટે બેવડા ધોરણો જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા ખાનગી શાળા સંચાલકોને પ્રાથમિક શાળાઓ શરૂ કરવા કોઈ મંજુરી અપાતી નથી, જ્યારે સામા પક્ષે સરકારી શાળાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી શેરી શાળાઓના નામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવ્યા વગર બેરોકટોક ચલાવવા દેવામાં આવી રહ્યું છે. જ્યારે સામાપક્ષે ખાનગી શાળાઓ દ્વારા બધા નિયમો અને ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવા છતાં તેમને પરવાનગી આપવામાં આવતી નથી.

આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ યાદીમાં જણાવ્યુ હતુ કે, તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાયા બાદ જે રીતે ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પુરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને વર્ગો શરૂ કરેલ તે રીતે જ્યારે હવે કોરોના કાબુમાં આવ્યો છે ત્યારે ઘણા સમયથી પ્રાથમિક શાળાના વર્ગોને તબક્કાવાર ખોલવાની મંજુરી માટે વિનંતીઓ કરીએ છીએ પણ સરકારશ્રી દ્વારા પક્ષપાત ભર્યા બેવડા ધોરણો સામે આવ્યા છે. સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાના નામે જે તે વિસ્તારમાં જઈ અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જેવા નિયમોનું ઉલ્લંઘન કરવા છતા તેમને ઘણા સમયથી વર્ગો પ્રત્યક્ષ ચલાવવાની મંજુરી છે. જ્યારે ખાનગી શાળાઓ દરેક નિયમો અને ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરે છે તેમ છતા તેમને મંજુરી સતત પાછી ઠેલવવામાં આવી રહી છે. અમારો પ્રશ્ન છે કે આવો પક્ષપાત શા માટે ? ખાનગી ટયુશન કલાસીસને પણ મંજુરી છે જે ઓછા સંશાધનોથી ચલાવવામાં આવતા હોય છે, જ્યારે શાળાઓ પાસે પુરતા સંશાધનો અને ઈન્ફ્રાસ્ટ્રકચર છે, તેમ છતાં તેની કોઈને કોઈ કારણોસર અવગણના કરવામાં આવી રહી છે. જે ખાનગી શાળાઓ અને તેમના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે અન્યાય છે, તેવું અમારૂ દ્રઢપણે માનવુ છે. છેલ્લા ૧૫ વર્ષ જેટલુ આ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે અને તેમના માટે અભ્યાસના વર્ષો પણ અગત્યના હોય સરકારશ્રીને અપીલ છે કે સત્વરે શાળાઓ શરૂ કરવા મંજુરી આપવામાં આવે.

આ માંગ સાથે ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઈ ભરાડ, સવજીભાઈ પટેલ, એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઈ શાહ, મહામંત્રી રાજેશભાઈ નાકરાણી, સંયોજક મનહરભાઈ રાઠોડ, પ્રવકતા ડો. દિપકભાઈ રાજ્યગુરૂ, રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી.વી. મહેતા, કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી, શિક્ષણ સચિવશ્રીને આ અંગે પત્ર લખવામાં આવ્યો છે.

(3:00 pm IST)