Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ભારતીય સંસ્કૃતિનું મહાન પર્વ - રક્ષાબંધન

ભારતીય સંસ્કૃતિમાં તહેવાર અને ઉત્સવનું અનેરૂ સ્થાન છે. લૌકિક જગતમાં આધ્યાત્મિકને જોડતા આ તહેવારો ભારતીયો માટે આશીર્વાદરૂપ છે. ભારતીય સંસ્કૃતિના તહેવારો ધર્મ,જાતિ સુધી સીમિત ન રહી સમગ્ર માનવસમુદાય તહેવારોમાં ઉત્સાહથી જોડાય છે તેવો જ એક તહેવાર એટલે રક્ષાબંધન. બહેન ભાઈને પ્રત્યક્ષમાં રાખડી બાંધે અને ભાઈ બહેનને ભેટ આપે, પરોક્ષમાં બંને એકબીજાની પ્રગતિ તથા રક્ષણની ભગવાનને પ્રાર્થના કરે છે.

 પવિત્ર લાગણીના આ તહેવાર પાછળ એક પૌરાણિક કથા પણ પ્રાપ્ત થાય છે.સ્કંદપુરાણ,પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધનનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિ રાજાનું અભિમાનને  શ્રાવણપૂર્ણિમાના દિવસે ઓગળ્યું  હતું.

        દાનવેન્દ્ર બલિરાજા જ્યારે ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા સો (૧૦૦) અશ્વમેધ પૂર્ણ કરી રહ્યા હતા ત્યારે ચિંતિત દેવતાઓએ સ્વરક્ષા માટે ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી, ભગવાન વામનઅવતાર ધરી  બલિરાજા પાસે ત્રણ ડગલાં ભૂમિની ભિક્ષા માંગી, ગુરુ શુક્રાચાર્યને અવજ્ઞા કરી રાજાએ જમીનદાનનો સંકલ્પ ભગવાન પાસે મુકાવી ત્રણ ડગલાં ભૂમિ માપવા કહ્યું,વામનભગવાને ત્રણ ડગલામાં ક્રમશઃ આકાશ, ધરતી અને ત્રીજા પગલાં માટે  રાજાબલિના માથા ઉપર માટે પગ મૂકી રાજા બલિને પાતાળમાં મોકલી દીધો, આમ, રાજાબલીનું અભિમાન ઓગળ્યું, ત્યારબાદ ભક્તિના બળે રાજાએ ભગવાન વિષ્ણુને પાતાળમાં પોતાના દ્વારપાળ રહેવા કહ્યું,સમયાંતરે ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં ન આવતા ચિંતિત લક્ષ્મીજી નારદજી પાસે જઈ પોતાની મૂંઝવણ રજૂ કરી,  નારદજીએ ઉપાય બતાવ્યો અને લક્ષ્મીજી પાતાળમાં રાજા બલિ પાસે જઈને કહ્યું,"મારે ભાઈ નથી તમે મારા ભાઈ બનો", રાજાએ લક્ષ્મીજી પાસે રાખડી બંધાવીને ભેટ માગવા કહ્યું ત્યારે લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને ભેટમાં માગ્યા. આમ, શ્રાવણી પૂર્ણિમાએ ભગવાનનું અભિમાન ઓગળ્યું અને લક્ષ્મીજીએ રાજા બલિને રાખડી બાંધી તે દિવસથી શ્રાવણપૂર્ણિમાનો દિવસ રક્ષાબંધનના તહેવાર તરીકે ઉજવાય છે.

*રાખડી બાંધતી વખતેનો શ્લોક.*

'येन बद्धो बलि राजा दानवेन्द्रो महाबल: ।

तेनत्वाम् अनुबद्धनामि रक्षे मा चल मा चल:।।'

 

અર્થાત્ :- જે રક્ષાસૂત્રથી મહાન બલિરાજા બંધાયા હતા તે જ રક્ષાસૂત્ર હું તમને બાંધુ છું. જે તમારી રક્ષા કરશે.  હે  રક્ષાસૂત્ર !  તમે ચલાયમાન ન થાવ, તમે ચલાયમાન ન થાવ.

        બ્રાહ્મણો આ દિવસે જનોઈ પરિવર્તન કરે છે તથા અલગ અલગ રાજ્યોમાં આ ઉત્સવ  વિવિધ રીતે ઉજવાય છે. મહારાષ્ટ્રમાં માછીમારો શ્રાવણી પૂર્ણિમાને 'નારાલી પૂર્ણિમા' તરીકે ઉજવે છે. માછીમારો આ દિવસથી માછલી પકડવાનું શરૂ કરે છે સમુદ્રમાં નાળિયેર અર્પણ કરી પ્રસાદમાં નાળિયેર વહેંચે છે. મધ્યપ્રદેશ અને બિહારના લોકો શ્રાવણી પૂર્ણિમાને  'કજરીપૂર્ણિમા' તરીકે ઉજવે છે. ખેડૂતો વાવેતરનો પ્રારંભ કરે છે. સ્ત્રીઓ પોતાના પુત્રના દીર્ઘાયુષ્ય માટે વ્રત રાખે છે.

        પશ્ચિમ બંગાળમાં શ્રાવણી પૂર્ણિમાને 'ઝુલન પૂર્ણિમા' તરીકે લોકો ઊજવે છે. ભક્તો પૂર્ણિમાથી પાંચ દિવસ સુધી  ભગવાન કૃષ્ણને અને રાધાને ઝુલાવે છે. ઓરિસ્સામાં શ્રાવણી પૂર્ણિમાને લોકો 'ગમ્હા પૂર્ણિમા' તરીકે ઉજવે છે. આ દિવસે લોકો ગાય-ભેંસની પૂજા કરે છે. દક્ષિણ ભારતમાં લોકો શ્રાવણી પૂર્ણિમાને 'અવની અવિત્તમ' તરીકે ઓળખાય છે.આ દિવસથી બ્રાહ્મણો  વેદાધ્યયનની શરૂઆત કરે છે.

        વર્તમાનસમયમાં દરેક ભાઈ-બહેન ઈચ્છે કે પોતાની બહેન ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરે તથા પોતાનો ભાઈ  દેશનો ઉત્તમ નાગરિક બને,  ભાઈબહેન  માટે   તે જ  ઉત્તમ 'રક્ષા' અને 'ભેટ' છે.

જૈમીન દવે

(ભૂ.પૂ. ઋષિ કુમાર,

SGVP - દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય, અમદાવાદ)

(12:07 pm IST)