Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

દક્ષીણ ગુજરાતમાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસનો હાહાકાર : પશુપાલન વિભાગમાં દોડધામ

આ રોગમાં પશુને પહેલા તાવ આવે છે અને પછી શરીર પર ગુમડા નીકળીને ચાંદા પડે છે

નવસારી,તા.૨૦ : જીલ્લામાં પશુપાલન એ મુખ્ય વ્યવસાય છે. સમગ્ર જીલ્લામાં બે લાખ જેટલા દુધાળા પશુઓ છે. ખાસ કરીને મોટાભાગના લોકો ડેરી ઉદ્યોગ સાથે સંકળાઈને સારી એવી કમાણી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ, પશુઓમાં રોગચાળો ફેલાતા સમસ્યા વધી છે. આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દોડતું થયું છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ ઘણા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે. પશુપાલનના પૂરક વ્યવસાય થકી આર્થિક રીતે ઘણા પરિવારો પગભર થયા છે.પરંતુ હાલમાં નવસારી જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ નામના રોગે હાહાકાર મચાવ્યો છે.સમગ્ર જીલ્લામાં આ રોગે ભરડો લીધો છે.

ત્યારે ખેરગામ વિસ્તારોમાં છેલ્લા બે માસથી લમ્પી સ્કીન ડિસીસ નામના રોગના પેસારાથી પશુપાલકો ભયથી ફફડી રહ્યા છે. ખેરગામ તાલુકામાં આ રોગ પહેલીવાર જોવા મળ્યો છે.ખાસ કરીને ગાયમાં આ રોગ વધુ ફેલાય છે.જેમાં પહેલા તાવ આવે છે.અને પછી શરીર પર ગુમડા નીકળીને ચાંદાં પડે છે.

છેલ્લા ૨ મહિનાથી આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે.અને અત્યાર સુધી ખેરગામના સરકારી પશુ દવાખાનામાં ૧૦૦ થી ૧૫૦ જેટલા પશુને આ રોગની સારવાર આપવામાં આવી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ ફેલાયેલી હોય છે.ત્યારે લોકો પશુઓને બચાવવા માટે અંધશ્રદ્ધાના રવાડે પણ ચડ્યા. જોકે સરકારી પશુ દવાખાનાના ડોકટરે ઘણા લોકોને સમજાવી પશુઓનું ઈલાજ કરતા ઘણા પશુઓ સારા પણ થયા છે. તેથી આવા સમયે અંધશ્રદ્ધા છોડી લોકોએ પશુ ડોકટરની સલાહ લેવી વધુ હિતાવહ છે.

(11:43 am IST)