Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

નવસારીના વિજલપોર વિસ્તારને બસના રૂટમાંથી બાકાત રખાતા સ્થાનિકોમાં રોષની લાગણી

નવસારીમાં વિવિધ ૧૦ રૂટો ઉપર 8 સીટી બસ દોડાવવામાં આવશે

નવસારી : મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્ય સરકારે નવસારીને સીટી બસની  ભેટ આપી છે. નવસારીની ૧૩ લાખની વસતી સામે વિવિધ ૧૦ રૂટો ઉપર 8 સીટી બસ દોડાવવામાં આવશે. પરંતુ વિજલપોર વિસ્તારને બસના રૂટમાંથી બાકાત રખાતા સ્થાનિકોમાં રોષની લાગણી ઉઠી છે.

જેમાં વિજલપોરમાં મોટો વર્ગ કામદારોનો છે, જેઓ રોજ અપ-ડાઉન કરે છે. તેઓને પરિવહનમાં સિટી બસ સેવાની જરુરીયાત છે. ત્યારે વિજલપોરને સીટી બસ રૂટમાંથી બાકાત રાખવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે.

જો કે નગરપાલિકાના પ્રમુખે એવી સ્પષ્ટતા કરી છે કે, જ્યારે સીટી બસ માટે દરખાસ્ત કરાઈ હતી ત્યારે વિજલપોરનો નવસારી નગરપાલિકા હદમાં સમાવેશ કરાયો ન હતો. માટે જ દરખાસ્તને મળેલી મંજૂરીમાં સિટી બસ રૂટમાં વિજલપોરનો સમાવેશ નથી. પરંતુ સિટી બસના ઈન્ચાર્જને જે રૂટ બાકી રહ્યા છે તેની યાદી મોકલી દેવામાં આવી છે. આગામી સમયમાં બાકાત રહેલા રૂટનો પણ સમાવેશ કરવામાં આવશે.

નવસારી શહેરમાં શુક્રવારથી સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સીટી બસ સેવાનો પ્રારંભ સીએમ રૂપાણીએ ગાંધીનગરથી ઇ- લોકાર્પણ કરવામાં આવી હતી. સીટી બસ સેવાના પ્રારંભથી લોકો હવે 5થી 7 રૂપિયાના ભાડામાં મુસાફરીનો લાભ લઈ શકશે. આ બસ ટેકનોલોજીથી સજ્જ બસની કનેકટીવિટી લાઈવ જાણી શકાશે.

જેમાં એન્ડ્રોઇડ એપ થકી બસના રૂટ અને લાઈવ લોકેશન અંગે માહિતી મળી શકશે. બસનું મેઈન ટર્મિનલ સ્ટેશનમાં બનાવવામાં આવશે.જ્યાંથી GIDC,એરું ચાર રસ્તા,છાપરા ચાર રસ્તા,વિશાલ નગર,સર્કિટ હાઉસ વિરાવલ સહિતના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. બસમાં સમાવિષ્ટ સુવિધાઓની વાત કરીએ તો બસમાં મહિલાઓની સુરક્ષા માટે CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે, એન્ડ્રોઇડ એપથી ભાડું, લોકેશન, રૂટ જાણી શકાશે તેની સાથે જ બસના ડોર ઓટોમેટિક હશે.

નવસારીમાં વર્ષોથી બંધ પડેલી સિટી બસ સર્વિસ હાલ ફરી શરૂ કરવામાં આવી છે. તેમજ આગામી સમયના શહેરની વસ્તીને ધ્યાનમાં રાખીને વધુ બસો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે તેવી પણ શક્યતા છે. જેના પગલે શહેરીજનો બસ સેવાનો વધુમાં વધુ લાભ લઈ શકે.

(12:01 am IST)