Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

DPS ઈસ્ટ સ્કૂલમાં વાલીઓ LC લેવા ઉમટયા : પાછલા વર્ષની ફી ભરીને એલ.સી. લઇ જવાનું કહેતાં હોબાળો

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા DPS ઈસ્ટ સ્કૂલની અપીલ નામંજુર કરાતા શાળા દ્વારા વાલીઓને પત્ર લખી તેમના બાળકોના LC લઈ જવા માટે કહેવાયું હતું

 

રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા DPS ઈસ્ટ સ્કૂલની અપીલ નામંજુર કરવામાં આવ્યા બાદ શાળા દ્વારા વાલીઓને પત્ર લખી તેમના બાળકોના LC લઈ જવા માટે જણાવ્યું હતું. જેના પગલે ગુરૂવારે સવારે વાલીઓ સ્કૂલ પર LC લેવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, ઘણા વાલીઓની પાછલા વર્ષની ફી બાકી હોવાથી સ્કૂલ દ્વારા બાકી ફી ભરી LC લઈ જવાનું કહેતા અમુક વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે, સ્કૂલ દ્વારા ચાલુ વર્ષની કોઈ પણ વાલી પાસેથી ફી માંગવામાં આવી ન હતી. સ્કૂલ દ્વારા જે વાલીઓ બોપલ ખાતે આવેલી DPS સ્કૂલમાં પ્રવેશ લેવા માંગતા હોય તેમના માટે ભલામણ પત્ર લખવાની પણ તૈયારી દર્શાવી છે.

DPS ઈસ્ટ સ્કૂલ દ્વારા પ્રાથમિક વિભાગ શરૂ કરવા માટે પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત નામંજુર કરવામાં આવતા શાળા દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં અપીલ કરી હતી. લાંબા સમય સુધી શાળાની અપીલ પડતર રહ્યા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અપીલ ફગાવી પ્રાથમિક વિભાગ શરૂ કરવાની મંજુરી આપી ન હતી. આમ, પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અપીલ ફગાવી દેવાતાં શાળા દ્વારા તમામ વાલીઓને પત્ર લખવામાં આવ્યો હતો અને સ્કૂલ પર આવી પોતાના બાળકોના LC લઈ જવા માટે જણાવ્યું હતું. જેના પગલે ગુરૂવારના રોજ વાલીઓ સ્કૂલ પર LC લેવા માટે દોડી ગયા હતા. ઘણા વાલીઓએ વિવાદના પગલે અગાઉથી જ LC લઈ અન્ય સ્કૂલોમાં પ્રવેશ લઈ લીધા હતા.

જ્યારે ઘણા વાલીઓ ગુરૂવારે LC લેવા માટે પહોંચી ગયા હતા. જોકે, LC લેવા માટે ગયેલા વાલીઓ પૈકી અમુક વાલીઓની ગતવર્ષની ફી બાકી હોવાથી સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી ગતવર્ષની બાકી ફીની માગણી કરી હતી. જેના પગલે અમુક વાલીઓએ ફીને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, સ્કૂલ દ્વારા ચાલુ વર્ષ માટેની કોઈ પણ ફીની માંગણી કરવામાં આવી ન હતી. માત્ર જે વાલીઓની ગતવર્ષની ફી બાકી હોય તે વાલીઓને બાકી ફી જમા કરાવી LC લઈ જવા માટે જણાવ્યું હતું.

આ અંગે DPS ઈસ્ટના વાલી વિકાસ સૂદે જણાવ્યું હતું કે, સ્કૂલ તરફથી અમને સુચના મળી હતી કે પ્રાથમિક વિભાગની માન્યતા અંગે કરેલી અપીલ સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે. જેથી ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓના LC ગતવર્ષ સુધીની બાકી ફી ભરીને લઈ જવાના રહેશે. ઉપરાંત DPSની બીજી બ્રાંચ બોપલમાં પ્રવેશ લેવા માંગતા હોય તેવા વાલીઓ માટે એડમિશન અને બસ સગવડ માટે ભલામણ પત્ર લખવાની પણ સ્કૂલે તૈયારી દર્શાવી છે.

(10:59 pm IST)