Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

રોગચાળો વકરતા તંત્ર જાગ્યું : અમદાવાદમાં 511 કોર્મર્શીયલ એકમોનું ચેકીંગ :નિકોલના પંચમ મોલને સૌથી વધુ 50 હજારનો દંડ

348 કોર્મર્શીયલ એકમોમાં મચ્છરોનું બ્રિડિંગ મળતા નોટિસ ફટકારી: 57 એકમોમાં હેવી મચ્છરોનું બ્રિડિંગ મળતાં 6.69 લાખનો દંડ ફટકાર્યો

 

અમદાવાદ મ્યુનિ.એ આજે શહેરના 511 કોર્મર્શીયલ એકમોમાં ચકાસણી કરી હતી. આજે ચકાસણી દરમિયાન 348 કોર્મર્શીયલ એકમોમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતાં નોટિસ ફટકારી હતી જ્યારે 57 એકમોમાં હેવી મચ્છરોનું બ્રિડિંગ મળતાં 6.69 લાખનો દંડ ફટકાર્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારના નિકોલના પંચમ મોલને સૌથી વધુ 50 હજારનો દંડ કરાયો હતો જ્યારે થલતેજના સિગ્નેચર કોમ્પલેક્ષ અને હોમટાઉનને 25-25 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. નિકોલના પ્લેટિમન પ્લાઝા અને ઉમા કોમ્પલેક્ષને પણ 25-25 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં કોર્મર્શીયલ કોમ્પલેક્ષના ધાબા ઉપર, ધાબા ઉપર મુકેલા કુંડામાં કે પછી પાર્કિગની જગ્યામાં પાણીનો ભરાવો થાય છે જેના કાણે મચ્છરોનું બ્રિડિંગ વધી જાય છે. જોકે, આ અંગે કોઇ તકેદારી રાખવામાં આવતી નથી. અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં મચ્છરોનું બ્રિડિંગ વધી જાય છે જેના કારણે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરે છે પણ દર વખતે માત્ર ચેકિંગ કરીને નજીવો દંડ કરવામાં આવે છે.

શહેરના કોર્મર્શીયલ એકમોમાં રોજની હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. આવા કોમ્પલેક્ષોમાં મચ્છરોનું બ્રિડિંગ ન થાય તે માટે તકેદારી રાખવાની જવાબદારી સંચાલકોની હોય છે પણ તેઓ પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવે છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકરવાની દહેશત રહે છે.

આ અંગે હેલ્થ ખાતા દ્વારા વારંવાર ટકોર કરવામાં આવે છે પણ મોટાભાગના મોલ, કોર્મર્શીયલ કોમ્પલેક્ષોમાં તકેદારી રાખવામાં આવતી નથી જેના કારણે મચ્છરોનું બ્રિડિંગ થાય છે. અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા આજે મધ્ય ઝોનમાં 22 એકમોને 40 હજાર, દક્ષિણ ઝોનમાં 22 એકમોને 1.01 લાખ, દક્ષિણ પશ્ચિમ ઝોનના 23 એકમોને 50 હજાર, ઉત્તર પશ્ચિમ ઝોનના 40 એકમોને 69 હજાર, ઉત્તર ઝોનના 40 એકમોને 56 હજાર અને પશ્ચિમ ઝોનના 91 એકમોને 1.54 લાખનો દંડ ફટકાર્યો હતો.

શહેરના કયા એકમોને મચ્છરોના બ્રિડિંગ મુદ્દે દંડ કરાયો

1. પંચમ મોલ, નિકોલ – 50 હજાર
2. સિગ્નેચર કોમ્પલેક્ષ, થલતેજ – 25 હજાર
3. હોમ ટાઉન, થલતેજ – 25 હજાર
4. પ્લેટિનમ પ્લાઝા, નિકોલ – 25 હજાર
5. ઉમા કોમ્પલેક્ષ, નિકોલ – 25 હજાર
6. ઇસ્કોન કોમ્પલેક્ષ, ખાડિયા – 20 હજાર
7. વિનસ એમડસ, જોધપુર – 20 હજાર
8. કોમલ ઇન્ડસ્ટ્રીઝ, ખોખરા – 20 હજાર
9. ડીમ્પલ ફ્લેટ, વાસણા – 20 હજાર
10. સાવન સ્કેવર, રાણીપ – 20 હજાર
11. આરડીટી આર્કેડ, રાણીપ – 20 હજાર
12. આસીમા ગ્રૃપ ઓફ કંપની, અમરાઇવાડી – 15 હજાર
13. શ્યામ સુંદર બેકરી, કુબેરનગર – 15 હજાર
14. ગંગા રચના કોમ્પલેક્ષ, સ્ટેડિયમ – 15 હજાર

(10:58 pm IST)