Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કોરોનાની શરૂઆતમાં આપણી પાસે માત્ર એક લેબોરેટરી હતી આજે 2 હજારથી વધુ લેબ બનાવી શક્યા છીએ:મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાની રાજકોટ તથા કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની જન આર્શીવાદ યાત્રાનો મહેસાણાથી પ્રારંભ

અમદાવાદ :રાજય તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓથી માંડીને કામગીરી જન જન સુધી પહોંચાડવા માટે ભાજપ તરફથી જન આર્શીવાદ યાત્રા શરૂ કરવામાં આવી છે. ગઇકાલે તા.18મીના રોજ કેન્દ્રીય મંત્રીઓ દર્શનાબેન જરદોશ, દેવુસીંહની યાત્રા સંપન્ન થઇ છે. ત્યારે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયાની રાજકોટ તથા કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગના મંત્રી પરષોત્તમભાઈ  રૂપાલાની જન આર્શીવાદ યાત્રાનો મહેસાણાથી આજથી પ્રારંભ થયો છે. આ યાત્રા 21મી ઓગસ્ટ સુધી રાજયના જુદા જુદા વિસ્તારોમાં ફરશે.

મહેસાણા જિલ્લામાં આવેલા માં ઉમિયાના દર્શન કરીને પરસોત્તમભાઈ  રૂપાલાએ મહેસાણા સર્કીટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, મહેસાણા એ આપણું ઉત્તર ગુજરાતનું પાટનગર કહી શકાય એ પ્રકારનું હેડ કવાર્ટર છે. મહેસાણા જીલ્લાના સપુત તરીકે નરેન્દ્ર મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે. અને ભારતની પ્રતિષ્ઠાએ વિશ્વમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવ અને આંનદનો વિષય છે. ભાજપનો જયારે સંપૂર્ણ રકાસ થયો હતો અને માત્ર 2 જ બેઠક આખા દેશમાં મળી હતી તે વખતે ભાજપના ઝંડાને ઉભુ રાખવાનું કામ મહેસાણાની ધરતીએ એ. કે. પટેલના રૂપમાં કર્યું હતું.

રૂપાલાએ જણાવ્યું કે MSP અંગેનો નિર્ણય પણ સરકારે કર્યો અને MSP રાજય સરકાર સાથે મળી છેવાડાના ખેડૂત સુધી પહોંચે તેવા પ્રયાસો થયા છે. ખેડૂતોને મજબૂત કરવા અને તેમની જિંદગીમાં સુધારા આવે તે માટે કેટલીય યોજનાઓ સરકારે જાહેર કરી છે. જેમાં સુજ્જલામ સુફલામ અંગે થતા ફાયદા જણાવ્યા હતા. બનાસકાંઠાનો ખેડૂત સૌથી વધુ દાડમ ઉત્પાદન કરવાનો એવોર્ડ લેવા દિલ્હીમાં કોઇ કૃષિ મેળામાં મળે તેવી ઘટનાઓના સાક્ષી થવાનો અવસર મળ્યો છે.

મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત આખો ઉત્તર ગુજરાત ખેતી સાથે પશુપાલન સાથે સંકળાયેલો છે. ત્રણેય જીલ્લાઓની ડેરીઓ ખૂબ ઉમદા અને ઉત્તમ પ્રકારનું કામ કરી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. ડેરી સેકટરને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું અને તેમણે ખેતીને મજબૂત કરવા ઘણાં કામો કર્યા છે. ખેડૂતોને કેસીસી મળે છે.

ખેડૂતો પહેલા 18 ટકા વ્યાજે પાક ધિરાણ લેતા હતા અને આજે ગુજરાતના ખેડૂતને 0 ટકાએ પાક ધિરાણ મળે છે તેના માટે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ  પટેલનો આભાર માન્યો હતો. સાથે પશુપાલકોને પણ ખેડૂતોની જેમ કેસીસી મળે છે. જે ગુજરાત સહિત દેશના પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય છે. ખેતી પછી પશુપાલક ક્ષેત્રે વધુ રોજગારી મળી રહે છે. મતસ્ય પાલકોને પણ કેસીસીનો લાભ મળે છે. સમુદ્ર ખેડૂતો પણ હવે કેસીસી લાભ મળે તેવો નિર્ણય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. આની ગ્રામ્ય જીવન ઉપર અસર થવાની છે. આ યોજનાને છેવાડાના માનવી સુધી લઇ જવાની છે તેનો આગ્રહ કર્યો.

પરસોત્તમભાઈ  રૂપાલાએ જણાવ્યું કે દેશની અંદર પાક લીધા પછી ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, કોલ્ડ સ્ટોરેજના અભાવે મુખ્ય પાકો સહિત ફળ ફળાદી જેવા પાકોનું મોટુ નુકશાન થતું હતું ઇન્ફાસ્ટ્રકચર ફેસેલીટી માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રી ઇન્ફાસ્ટ્રકચર ફંડનું સર્જન વડાપ્રધાને કર્યું.

પરસોતમભાઈ  રૂપાલાએ જણાવ્યું કે કોરોનાના કપરા કાળમાથી આપણે પસાર થયા. કોરોનાની શરૂઆતમાં તો આપણી પાસે ટેસ્ટ માટે પણ લેબોરેટરી ન હતી શરૂઆતમાં તો માત્ર એક લેબોરેટરી હતી. એની બદલે આજે 2 હજાર કરતા વધુ લેબ બનાવી શકયા છીએ. પીપીઇ કીટ પણ આજે જોઇએ એટલી બનાવી શકાય છે અને અન્ય દેશને પણ સપ્લાય કરી શકીએ છીએ. આપણી એરલાઇન્સે એર ઇન્ડિયાના સંચાલકોએ 100 કરતા વધુ દેશોમાં જીવન રક્ષક દવાઓ પહોચાડવાનું પરાક્રમ કર્યું છે. આ કારણે દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ એવી શાખ ઉભી કરી કે સંકટ સમયે માત્ર ભારત જ મદદ કરી શકે તેવી છાપ ઉભી થઇ .અને ગલ્ફ જેવા દેશોએ આપણને ઓક્સિજનની જરૂરિયાત હતી ત્યારે આપણા દેશને મદદ કરી. વિરોધીઓની ટીકા કરવામાં મને રસ નથી. અને લોકોને જેમણે પણ હજી રસી ન લીધી હોય તે કોરોના સામેની રસી વહેલાસર લઇ લેવા અપીલ કરી હતી.

(10:03 pm IST)