Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સ્કૂલોને ફીની રકમ ચુકવવામાં આવી ન હોવાથી હાલત કફોડી : ગ્રાન્ટની ફાળવણી કરી સ્કૂલોને ફીની રકમ ચુકવવા માંગણી

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે કમિશનર ઓફ સ્કૂલને પત્ર લખીને ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી

અમદાવાદ : રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની ફીની ગ્રાન્ટ હજુ સુધી સ્કૂલોને મળી ન હોવાથી ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. માર્ચ-2021નું વર્ષ પુર્ણ થયું છે. પરંતુ હજુ સુધી વિભાગમાંથી ગ્રાન્ટ આવી ન હોવાનું જણાવી સ્કૂલોને ફીની રકમ ચુકવવામાં આવી ન હોવાથી શાળાઓની હાલત કફોડી બની છે. સંચાલક મંડળે કમિશનર ઓફ સ્કૂલની કચેરીને પત્ર લખી વહેલીતકે ગ્રાન્ટની ફાળવણી કરી સ્કૂલોને ફીની રકમ ચુકવવામાં આવે તેવી માગણી કરી છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કમિશનર ઓફ સ્કૂલની કચેરીના નિયામકને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં કાર્યરત ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની શિક્ષણ ફી રાજ્ય સરકાર દ્વારા લેવા માટે મનાઈ ફરમાવેલી છે. સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓની ફીની કુલ રકમ શાળાઓને જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચેકથી ચુકવવામાં આવે છે.

માર્ચ-2021ના નાણાંકીય વર્ષની પુર્ણાહુતી બાદ પણ હજુ સુધી ઘણા જિલ્લાઓને વિદ્યાર્થીનીઓની ફી મજરે આપવામાં આવેલી ન હોવાનું સામે આવ્યું છે. આ રકમ બહુ મોટી હોય છે અને શાળાના વર્ષ દરમિયાનના ખર્ચાઓ આ રકમ ન મળવાથી અટકી પડ્યા હોવાનું જાણવા મળે છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓમાં તપાસ કરતા એક જ જવાબ આપવામાં આવે છે કે, વિભાગમાંથી ગ્રાન્ટ આવેલી નથી.

આમ, વિભાગમાંથી ગ્રાન્ટ ન મળવાના કારણે ખાસ કરીને ગામડાઓની આર્થિક રીતે કથળેલી પરિસ્થિતિમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે. જેથી શાળાઓને આ રકમની વહેલી તકે ચુકવણી કરી શકાય તે માટે જિલ્લા કક્ષાએ ફીની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માગણી કરી છે.

(9:58 pm IST)