Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અમદાવાદમાં રોગચાળો વકર્યો, મચ્છરના બ્રીડિંગ ધરાવતા 348 એકમોને નોટિસ ફટકારાઇ : 6 લાખનો દંડ વસુલાયો

અલગ અલગ 7 ઝોનમાં કાર્યવાહી : શહેરના 511 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કર્યું

અમદાવાદ: શહેરમાં રોગચાળાના કેસ વધ્યા ત્યારે હવે આરોગ્ય વિભાગ જાગ્યું છે.શહેરભરમાં મચ્છરના બ્રિડિંગ શોધવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં ગુરુવારે હેલ્થ વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં નિકોલમાં પંચમ મોલ, ઉના કોમ્પ્લેક્ષ, પ્લેટિનિયમ પ્લાઝા, રાણીપમાં સાવન સ્કવેર, અમરાઇવાડીમાં આસિમા ગ્રૂપ ઓફ કંપની, બહેરામપુરામાં આર.વી ડેનિમ, ચાંદખેડા નક્ષત્ર મોલ, નવરંગપુરા દેવનંદન મોલ સહિતના કોમ્પ્લેક્ષમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા તેઓને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે.

હેલ્થ વિભાગે શહેરના 511 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કર્યું હતું જેમાંથી 348 એકમોને નોટીસ ફટકારી અને દંડ વસૂલવામાં આવ્યો છે. 6 લાખ 69 હજાર જેટલો દંડ આજે કોર્પોરેશન દ્વારા વસુલવામાં આવ્યો છે.અલગ અલગ 7 ઝોનમાં આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નોટીસ તેમજ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં ચોમાસુ આવતા મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો ફેલાય છે. જ્યારે કોર્પોરેશનની કામગીરી હોવા છતાં પણ રોગચાળો યથાવત રહેતા તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે.

જેમાં શહેરમાં સ્વચ્છ ગણાતા એવા પશ્ચિમ વિસ્તારમાં રોગચાળો વધુ નોંધાયો છે. જ્યારે શહેરના મધ્ય ઝોન શાહપુર. દુધેશ્વર. દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા સહિત ચાલી ધરાવતા વિસ્તારમાં કેસ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(9:33 pm IST)