Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને ભેજાબાજે છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરની મહિલા અને અમદાવાદ રહેતા તેના ભાઈ ભાભી સાથે ભેજાબાજે ઓએનજીસીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવાના બહાને 1.93 લાખ ઉપરાંતની રકમ પડાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ભેજાબાજ વિરુદ્ધ છેતરપિંડીનો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા પૂર્વીબેન ગજ્જરે બી.એ વિથ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. ફરિયાદ અનુસાર, તેમની માતાનો પરિચય વિજય જયંતીભાઈ ઠાકોર ( રહે - અર્પણ નગર , આણંદ / મૂળ રહે / મહેસાણા ) સાથે થયો હતો. જેમાં વિજય ઠાકોરએ પોતાની ઓળખ ઓએનજીસી કંપનીના કોન્ટ્રાક્ટર તરીકે આપી જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિને નોકરીની જરૂરિયાત હોય તો જણાવજો. ત્યારબાદ પૂર્વીબેનએ વિજય ઠાકોરનો સંપર્ક સાધ્યો હતો. રૂબરૂ મુલાકાત દરમિયાન વિજય ઠાકોરે જણાવ્યું હતું કે, ઓએનજીસી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવીશ જેના ત્રણ લાખ રૂપિયા નોકરી મળ્યા બાદ આપવાના રહેશે. ત્યારબાદ પ્રોસેસના બહાને જણાવ્યું કે ઉપરી અધિકારીને હાલ નાણાં ચૂકવવા પડશે. જેથી 50 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વિશ્વાસ કેળવવા મકરપુરા ઓએનજીસી કંપની પાસે બોલાવી પરીક્ષા,જોઇનિંગ તથા ટ્રેનીંગ લેટર હેતુની વાત કરી હતી. આમ, ફરિયાદી તથા તેમના ભાઈ-ભાભી પાસેથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી અપાવવાના બહાને ટુકડે ટુકડે 01,93,500 પડાવી લીધા હતા. 

(6:37 pm IST)