Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

Dahod: લીમડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી

શરુઆત સાથે જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરવાનું શરુ કરી દીધુ છે. ગુજરાતમાં મેઘરાજા અલગ અલગ વિસ્તારમાં પોતાની મહેર ઉતારી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટોછવાયા વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે.

જે અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાની સવારી ઉતરી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળી રહ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતના ઘણા ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. દાહોદ જિલ્લાના લીમડી પંથક સહિત આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ પડવાના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો વરસાદને (Rain) પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે.

હવામાન વિભાગે 20 અને 21 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ (valsad) અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થશે.તેમજ સૌરાષ્ટ્રમાં (Saurashtra) રાજકોટ, અમરેલી, ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં મેઘરાજાની મહેર જોવા મળશે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.


વરસાદને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં (Ahmedabad) છૂટો છવાયો વરસાદ રહેશે. ભારે વરસાદને પગલે માછીમારોને (Fishermen)દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

શનિવારે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સુરત (Surat) અને આસપાસના તાલુકા વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતુ. ભરૂચ અને વડોદરાના(vadodara) સાવલીમાં પણ સવારથી જ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. યાત્રાધામ પાવાગઢમાં વરસાદના પગલે આહ્વાદાયક નજારો જોવા મળ્યો હતો. પર્વત પરથી પાણીના ઝરણા વહી પડ્યા હતા. તો અમદાવાદના ધંધુકામાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધંધુકામાં અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બોટાદના બરવાળા અને પાળીયાદ વિસ્તારોમાં સાંજના સમયે મેઘ મહેર થઈ હતી,તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

(9:27 pm IST)