Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સત્ર આરંભ : કોંગ્રેસ આક્રમક : કાલે બજેટ

પાટણમાં દલિતનું આત્મવિલોપન, નર્મદાનું પાણી, સળગેલી મગફળી, કાયદો-વ્યવસ્થા વગેરે સળગતા મુદ્દા

ગાંધીનગર, તા. ૧૯ : વિધાનસભાની ચૂંટણી પછીના પ્રથમ બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે વિધાનસભાના અધ્યક્ષ તરીકે વડોદરાના શ્રી રાજેન્દ્ર ત્રિવેદી બિનહરિફ ચૂંટાયા છે. પ્રારંભે ગૃહમાં રાજયપાલનું પ્રવચન અને શોકદર્શક ઠરાવો છે. આજે પ્રથમ દિવસથી જ પાટણમાં દલિતનું આત્મવિલોપન નર્મદામાંથી ઘટતા પાણી, મોંઘવારી, ગોંડલના ગોડાઉનમાં સળગેલી મગફળી વગેરે મુદ્દે કોંગ્રેસ આક્રમક છે.

વિધાનસભાના નિયત કાર્યક્રમ મુજબ રાજયપાલના વિધાનસભા ગૃહને સંબોધન બાદ ૪પ મિનિટના વિરામ પછી નવા નિમાયેલા અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને વિધાનસભા ગૃહની બેઠકનો આરંભ થશે. જેમાં પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ કરાશે. જયારે કાલે મંગળવારે નાણામંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ગુજરાત સરકારનું વર્ષ ર૦૧૮-૧૯નું પ્રથમ વાર્ષિક બજેટ રજૂ કરાશે. રાજય વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ૧૯મીથી ર૮ માર્ચ સુધી ચાલશે. આ સત્રના ૩૮ દિવસ દરમ્યાન ર૭ દિવસ સુધી કામકાજ ચાલશે. જેમાં એક દિવસ ડબલ બેઠકની સાથે વિધાનસભાની કુલ ર૮ બેઠકો મળશે.

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સંસદીય બાબતોના નિષ્ણાત સભ્યો મનાતા ઘણા સિનિયર સભ્યો પરાજિત થયા છે. જયારે તેની સામે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તો, દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી અપક્ષ સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. બીજી બાજુ ભાજપના ધૂરંધર નેતાઓને ચૂંટણીમાં સતત પરાસ્ત કરનારા યુવા પટેલ અગ્રણી પરેશ ધાનાણીને પ્રથમવાર કોંગ્રેસ-વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ વખતે વિધાનસભામાં કુલ ૧૮ર સભ્યોમાંથી ભાજપના ૩૭, કોંગ્રેસના ૧૮ અને એક અપક્ષ મળી કુલ પ૬ સભ્યો તો પ્રથમવાર ચૂંટાયા છે એટલે આ વખતે વિધાનસભામાં જૂના અને નવા સભ્યો વચ્ચે જોરદાર ટક્કર થવાની શકયતા છે.

(4:38 pm IST)