Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ધ્રુજાવશે :48 કલાક બાદ ગાત્રો થિજવતી ઠંડી પડશે;હવામાન વિભાગની આગાહી

અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે ; 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ પડી શકે

અમદાવાદ : ગુજરાતભરમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. હાલમાં રાત્રીનું તાપમાન નોર્મલ છે, અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે.   

  પશ્ચિમી વિક્ષોભનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. એટલું જ નહીં, આગામી સમયમાં નલિયામાં પણ તાપમાન ઘટી શકે છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. એટલે કે ગુજરાતીઓએ ગાત્રો થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. તાપણા તૈયાર રાખવા પડશે, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગાત્રો થિજવતી ઠંડીનો હવામાન વિભાગે વરતારો કર્યો છે.

  હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ આ પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે, જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જેના કારણે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે. પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી શકે છે. હાલમાં રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાંઇ રહ્યો છે.  

(8:18 pm IST)