Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

એકસાથે ૫ હજાર બાળકોએ ડાન્સ કરીને ખાસ રેકોર્ડ કર્યો

ઇવેન્ટમાં ડાન્સ લીજેન્ડ ગોવિંદા ખાસ ઉપસ્થિત રહ્યા : ડાન્સ લીજેન્ડ ગોવિંદાએ પણ જોરદાર ડાન્સ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા : ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં નામ થયુ

અમદાવાદ,તા. ૨૦ :     અમદાવાદ શહેરમાં આજે એક ઐતિહાસિક અને અનોખી ડાન્સ ઇવેન્ટ યોજાઇ હતી, જેમાં શહેરના શાહીબાગ વિસ્તારમાં જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે એકસાથે પાંચ હજાર બાળકોએ બોલીવુડ ડાન્સ કરી અનોખો રેકોર્ડ  સર્જયો હતો અને અમદાવાદનું નામ દેશભરમાં રોશન કર્યું હતું. આ અનોખી ડાન્સ ઇવેન્ટ માટે જાણીતા ડાન્સીંગ સુપરસ્ટાર અને લીજેન્ડ એવા ગોવિંદા ખાસ હાજર રહ્યા હતા. ફિલ્મસ્ટાર ગોવિંદાએ આ પ્રસંગે જોરદાર ડાન્સ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તમામ બાળકો સફેદ ટીશર્ટમાં સજ્જ હતા અને તમામે એકસાથે ડાન્સ કર્યો ત્યારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે જાણીતા કોરિયોગ્રાફર પ્રીતેશ નાયક અને નિર્માણ સ્કૂલના ટ્રસ્ટી આશિષ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ એવી આ ઇવેન્ટ યોજવા પાછળનો ઉમદા આશય દિવ્યાંગ બાળકો, ગરીબ બાળકો અને કેન્સરથી પીડાતા  બાળકો માટે મદદરૂપ થવાનો છે. લેવલ અપ એન્ટરપ્રાઇઝ અને સાત્વિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા આયોજિત આ ઐતિહાસિક ઇવેન્ટમાં ખુદ જાણીતા બોલીવુડ અને ડાન્સીંગ લીજેન્ડ ગોવિંદા બાળકોનું પ્રોત્સાહન વધારવા ખાસ હાજર રહ્યા હતા. આ રેકોર્ડ સર્જવા માટે દસ શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ ડાન્સીંગ કલાસના સ્ટુડન્ટસ તેમ જ ડાન્સરસિયા બાળકોને જુદા જુદા ૪૦ જેટલા કોરીયોગ્રાફર દ્વારા પધ્ધતિસરની ડાન્સની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રકારનો રેકોર્ડ ભારતમાં કયારેય નોંધાયો નથી, આજે અમદાવાદ એક ઐતિહાસિક અને વિક્રમી ઇવેન્ટનું સાક્ષી બન્યુ હતું. આજે શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે સવારે ૯-૦૦ વાગ્યે યોજાયેલી આ ઇવેન્ટના રેકોર્ડ પ્રસંગે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બોલીવુડ ડાન્સ પરફોર્મ કરનારા બાળકોના માતા-પિતા અને તેમની શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. એકસાથે પાંચ હજાર બાળકોએ ગોવિંદાની હાજરીમાં ત્રણ મિનિટનો બોલીવુડ ડાન્સ રજૂ કરી એક અનોખો રેકોર્ડ સર્જયો હતો. આજના પ્રસંગે લેવલ અપ એન્ટરપ્રાઇઝ અને સાત્વિક એન્ટરટેઇનમેન્ટના સમીર પટેલ અને વીણા પટેલ પણ હાજર રહ્યા હતા.

ગોવિન્દાના કારણે ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જો કે કલાકારોએ તેમના ડાન્સના કારણે તમામને પ્રભાવિત કરી દીધા હતા. કેટલાક નવા રેકોર્ડ પણ થયા હતા.

(8:04 pm IST)