Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગાંધીનગર નજીક લીંબડીયામાંથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરનાર બે મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીનગર:શહેર નજીક લીંબડીયામાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. દસ લાખનું અનાજ અને અન્ય ચીજવસ્તુ મળી ૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ત્યારે આ ગુનાના બે મુખ્ય સુત્રધાર એવા શખ્સોને પાસા કરવા એલસીબીએ કરેલી દરખાસ્તને મંજુરી મળતાં અટકાયત કરીને પોરબંદર અને રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. 

સરકાર દ્વારા ગરીબોને સસ્તાદરે આપવામાં આવતાં અનાજને બારોબાર વેચી દેવાની પ્રવૃતિ વધી છે અને તેને ગેરકાયદેસર રીતે ગોડાઉનોમાં સંગ્રહ પણ કરવામાં આવતો હોય છે ત્યારે ગત માર્ચ મહિનામાં ગાંધીનગર એલસીબી-રની ટીમે લીંબડીયા પાસે આવેલા ગોડાઉનમાં દરોડો પાડીને ઘઉં, ચોખા, ચણાની દાળ, ખાંડનો સરકારી અનાજનો દસ લાખથી વધુનો જથ્થો ઝડપી પાડયો હતો. આ સમયે ગોડાઉન ભાડે રાખનાર નોબલનગરના રાજેશ મનુભાઈ ટાંક અને ડ્રાઈવર રાજેન્દ્ર રામજીભાઈ પરમાર રહે.અસારવા ઝડપાયા હતા. જેમની પુછપરછમાં રાજુ માંગીલાલ તેલી રહે.સોમનાથ પાર્ક સોસાયટી મેઘાણીનગર અને માંગીલાલ પ્રેમાજી તેલી રહે.કૃષ્ણનગરના નામ ખુલ્યા હતા. જેથી આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે ત્રણ મહિના પહેલા જ દરખાસ્ત કરવામાં આવી હતી. જે મંજુર થઈ જતાં આ આરોપીઓ નાસતા ફરતા હતા ત્યારે ગાંધીનગર એલસીબી-ર પીઆઈ એચ.પી.ઝાલાની સૂચનાના પગલે ટીમે સે-૧૧ પાસેથી રાજુ માંગીલાલ તેલી અને રાજેશ મનુભાઈ ટાંકને ઝડપી પાડી રાજકોટ અને પોરબંદર જેલ ખાતે મોકલી આપ્યા હતા.

(5:28 pm IST)