Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

નર્મદા LCB એ ડેડીયાપાડામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું: ડેડીયાપાડાની પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો: 12,18,800 રૂપિયાનું 12,000 લિટર બાયોડીઝલ, 1 લાખની કીમતના 2 ફીલિંગ પંપ, 5000 રૂપિયાની કિંમતની એક મોટર સહીત અન્ય વસ્તુઓ સહિત 13,35,100ના મુદ્દામાલ સાથે સ્લીમ મહંમદ ખત્રીની ધરપકડ

ડેડીયાપાડાના કિસ્સામાં નર્મદા જિલ્લા પોલીસ વડા કોઈ કાર્યવાહી કરે છે કે કેમ ? તે તરફ સૌની નજર

રાજપીપળા: નર્મદા LCB એ ડેડીયાપાડામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.ડેડીયાપાડા પોલીસે જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી LCB એ કરતા ડેડીયાપાડાની પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. આ ઘટના બાદ ડેડીયાપાડા પોલીસ પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કેટલા સમયથી અને કોની રેહમો નજર હેઠળ ચાલી રહ્યુ હશે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ડેડીયાપાડાના પારસી ટેકરા ખાતે રહેતા સલીમ મહંમદજી ખત્રીના રહેણાંક મકાનની બાજુમાં ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો હોવાની નર્મદા LCB ને બાતમી મળી હતી. નર્મદા LCB P.I એ.એમ.પટેલ સહિત પોલીસ ટીમ બાતમી વાળી જગ્યાએ અચાનક રેડ કરતા એક રૂમમાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

આ બાયો ડીઝલ છૂટક વેચાણ માટે રાખેલું હોવાનું સલીમ મહંમદજી ખત્રીને જણાવ્યું હતું પરંતુ વેચાણ માટેનું કોઈ લાયસન્સ કે મંજૂરી પત્ર સલીમ મહંમદજી ખત્રી પાસે ન મળી આવતા પોલીસે 12,18,800 રૂપિયાનું 12,000 લિટર બાયોડીઝલ, 1 લાખની કીમતના 2 ફીલિંગ પંપ, 5000 રૂપિયાની કિંમતની એક મોટર સહીત અન્ય વસ્તુઓ મળી કુલ 13,35,100 રૂપિયાના મુદ્દામાલ સાથે સ્લીમ મહંમદ ખત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ નર્મદા જિલ્લામાં ઘણા એવા કિસ્સાઓ બન્યા છે કે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજિલન્સ, અથવા જિલ્લાની LCB, SOG રેડ પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડે ત્યારે જિલ્લા પોલીસ વડા એ પોલિસ મથકના PI અથવા PSI વિરુદ્ધ કાર્યવાહી કરતા હોય છે, ત્યારે ડેડીયાપાડાના કિસ્સામાં નર્મદા જિલ્લા પોલીસ વડા કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યુ.

(4:57 pm IST)