Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

દક્ષિણ ઝોનકક્ષાની રાત્રી હેન્ડબોલ,વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં સાંસદ મનસુખભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત" જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદાના ઉપક્રમે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ૧૧ મો ખેલ મહાકુંભ દક્ષિણ ઝોનકક્ષાની હેન્ડબોલ ભાઈઓ/બહેનો-વોલીબોલ બહેનોની  સ્પર્ધાને રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે  દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકાઈ હતી. જેમાં ૮ જિલ્લાની ૧૨ જેટલી ટીમો સહભાગી બની છે.

  ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  દેશને આઝાદી મળી તેના ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીને  દેશની આઝાદીને ઉજાગર કરી છે. ગુજરાતમાં ખેલ-મહાકુંભની શરૂઆત કરીને બાળકો, યુવાનો, દિવ્યાંગજનો સૌ કોઇને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા છે, જેના પરિણામે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે ઝળહળ્યાં છે અને રમતવીરોએ અનેક નવી સિધ્ધીઓ હાંસલ કરી હોવાનું વસાવાએ ઉમેર્યું હતું.
  વધુમા વસાવાએ ખેલ મહાકુંભના આયોજનથી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યેની રૂચિમાં વધારો થવા સાથે રમતગમત ક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થયું છે. તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં રમત ગમતના વિકાસ માટે માળખાકિય સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.  યુવાનોએ યોગ અને રમતગમત ક્ષેત્રે પણ આગળ વધવું જોઇએ જેથી શરીરની તંદુરસ્તી જાળવવાની  સાથે અનેકવિધ રોગોમાંથી પણ મુક્તિ મેળવી શકાશે તેમ શ્રી વસાવાએ વધુમાં ઉમેર્યું હતું.
મનસુખભાઇ એ તેમના ભુતકાળને યાદ કરીને કહ્યું કે, મને પણ રમતગમત ક્ષેત્રમાં ઘણી રસરૂચિ છે. જેનાથી ઘણા ફાયદા પણ થયા છે.  આપણા જીવનમાં રમત ગમતનું વિશેષ મહત્વ છે. રમતવીરોને પરંપરાગત રમતને ન ભુલવા અને તેને જીવનઉપયોગી બનાવવા વસાવાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.  
  ત્યારબાદ  સાંસદ મનસુખભાઇ વસાવાએ સુરત ગ્રામ્ય અને નવસારીની  હેન્ડબોલ ભાઇઓની સ્પર્ધાનો  અને રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે બહેનોની વોલીબોલ સ્પર્ધાનો ટોસ ઉછાળી રમતની શરૂઆત કરાવી રમતરમતવીરોનો પ્રોત્સાહિત કર્યા હતાં. આ બંને સ્પર્ધામાં રમતવીરોએ પુરી ખેલદિલીથી ભાગ લીધો હતો.
    સિનીયર કોચ વિષ્ણુભાઈ વસાવાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ગુજરાત વ્યાયામ  પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલ, છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશનના પ્રાચાર્ય કે. જે. ગોહિલ,જિલ્લા યુવા વિકાસ અધિકારી પી. એ. હાથલીયા, સિનીયર કોચ વિષ્ણુભાઈ વસાવા, છોટાઉદેપુર જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રિમલબેન પાટણવાડીયા, કોચશ્રીઓ,ખેલાડીઓ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

(10:42 pm IST)