Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ મીડિયા સમક્ષ હૈયું ખોલશે હાર્દિક પટેલ

આગામી રણનીતિ જાહેર કરવા સાથે ક્યાં પક્ષમાં જોડાશે એ અંગે મોટી જાહેરાત કરે તેવી શક્યતા

અમદાવાદ :હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવવાના છે. જેમાં હાર્દિક પટેલ તેમની આગામી રણનીતિ જાહેર કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત હાર્દિક પટેલ કયા રાજકીય પક્ષના જોડાશે તે અંગે પણ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.

હાર્દિક પટેલે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર રાજીનામાનો પત્ર શેર કર્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કેમ આપે છે તેના કારણો આ પત્રમાં જણાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે આ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો ગણી શકાય. ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજગીના સૂર રેલાવ્યા બાદ હવે અંતે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પર કોંગ્રેસ સાથે નારાજગી દર્શાવતો મોટો પત્ર પણ મુક્યો છે. હાર્દિક પટેલે રાજીનામાના આ પત્રમાં કોંગ્રેસના નેતૃત્વ સામે ભારોભાર નારાજગી દર્શાવેલી છે. ત્યારે હાર્દિક પટેલે ટોચના નેતૃત્વ પર આ મોટા 13 આરોપો લગાવ્યા છે.

કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઇલ અને અન્ય બાબતો પર વધારે રહેતું. જ્યારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય, તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે?

હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રત્યે નારાજગીના સૂર ઘણા સમયથી સાંભળવા મળી રહ્યા હતા. આ પહેલા હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પર એક આંખે ઉડીને વળગે તેવી વાત સામે આવી હતી. હાર્દિક પટેલે તેમના ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’ હટાવ્યું હતુ. આ લખાણ કયા કારણને લઇને હટાવાયુ હતુ તે એક ચર્ચાનો વિષય બન્યો હતો. હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પરથી હટેલુ ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’નું લખાણ તેમની કોંગ્રેસ તરફની નારાજગીને સૂચવી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ હતુ. ત્યારે હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આ ચર્ચાઓનો અંત લાવી દીધો છે.

(12:19 am IST)