Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ફોર્મ ભર્યું: વાઘોડિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે

મધુ શ્રીવાસ્તવે વડોદરાની ધીરજ ચોકડીથી પોતાના સમર્થકો સાથે સેવા સદન સુધી રેલી યોજી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ ઝંપલાવ્યું છે. જેના પગલે વાઘોડિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.

વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી માટે આ જ બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 18 એપ્રિલે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મધુ શ્રીવાસ્તવે વડોદરાની ધીરજ ચોકડીથી પોતાના સમર્થકો સાથે સેવા સદન સુધી રેલી યોજી હતી. ત્યારબાદ તેમણે ફોર્મ ભર્યું હતું.

મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભરતા સમયે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે તેમણે વર્તમાન ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘સવા વર્ષમાં વાઘોડિયાની જનતાની કેટલીક જમીનો લખાવી લેવામાં આવી છે. પોતાના લાભ માટે અહીં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મને વાઘોડિયાની જનતાએ છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય બનાવ્યો હતો. પરંતુ રોજે રોજ દાળ-ભાત ન ભાવે એટલા માટે વાઘોડિયાની જનતાએ બીજો ટેસ્ટ કર્યો હતો. પરંતુ હવે લોકો જાણી ગયા છે. વાઘોડિયાની જનતાને ગીરવે મૂકી ધારાસભ્ય ભાજપમાં જતા રહ્યા છે.’

(12:37 am IST)