Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

દાંતામાં લાગણીનો અનોખો ઋણાનુબંધ : માલિકના નિધન બાદ શ્વાને અન્નજળનો ત્યાગ કર્યું : અઠવાડિયામાં મૃત્યુ થયું

યુવક અને પરિવારના સભ્ય જેવા શ્વાનની આવી અચાનક અને અણધારી વિદાયથી પરિવારજનોને મોટો આઘાત લાગ્યો : શ્વાને માલિક પ્રત્યેની અબોલ લાગણી અને વફાદારી નિભાવી

અંબાજી પાસેના દાંતામાંથી લાગણીનો અનોખો ઋણાનુબંધ જોવા મળ્યો છે. જેમાં યુવકનું મૃત્યું થયા બાદ એક જ અઠવાડિયામાં શ્વાનનું મોત થતા પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અંબાજી પાસે આવેલા દાંતા ગામે એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હતું.

એમના આ મૃત્યું પછી શ્વાને ખાવા પીવાનું પણ છોડી દીધું હતું. અઠવાડિયા બાદ શ્વાનું મૃત્યું થતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. યુવક અને પરિવારના સભ્ય જેવા શ્વાનની આવી અચાનક અને અણધારી વિદાયથી પરિવારજનોને મોટો આઘાત લાગ્યો છે. શ્વાને માલિક પ્રત્યેની અબોલ લાગણી અને વફાદારી નિભાવી હતી. માલિકના અવસાન બાદ એક જ અઠવાડિયામાં દેહ છોડી દીધો હતો. લાગણીસભર કિસ્સો સાંભળીને આસપાસના લોકો પણ લાગણીશીલ થયા હતા. આ મામલે પરિવારના વ્યક્તિ શૈલેષજી રાઠોડ-ઠાકોરે કહ્યું હતું કે, મારા મોટાભાઈ પ્રવિણ રાઠોડનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. જ્યારે એની સ્માશાન યાત્રા કાઢવામાં આવી ત્યારે પાંજરામાં પૂરાયેલો કૂતરો ટોમી ખૂબ જ ભસ્યો હતો. એમના ગયા બાદ તેમણે ભસવાનું બંધ કરી દીધું હતું. પછી પશુ ડૉક્ટરને બોલાવીને સારવાર કરાવી. માંદુ પડી ગયું હતું.

ભાઈના નિધન બાદ એક જ અઠવાડિયામાં એમને વિરહ સહન ન થતા ટોમીએ દેહ છોડી દીધો. એના ગયા બાદ ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું. મોટાભાઈ અને શ્વાનની અણધારી વિદાયને કારણે પરિવારમાં માતમનો માહોલ છે. મોટાભાઈના પત્ની અને અને બે પુત્રીઓને આઘાત લાગ્યો છે. જ્યારે ટોમી ચાર મહિનાનો હતો ત્યારે એને લાવ્યા હતા. બંને જણા લાગણીના એક તાંતણે બંધાયા હતા. જોકે, યુવાન અને શ્વાનના નિધનનો આ કિસ્સો સમગ્ર દાંતામાં ચર્ચામાં રહ્યો છે. અનેક લોકો બંનેની અતૂટ લાગણીની વાતો કરી રહ્યા છે. લાગણી માત્ર લોકો પુરતી જ સિમિત નથી હોતી પ્રાણીઓને પણ કોઈ વ્યક્તિને પ્રેમની અનુભુતી થાય છે. એવું આ ઘટના પરથી કહી શકાય.

(10:09 pm IST)