Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચિકનગુનિયાઃ એલોપથી-આયુર્વેદમાં ઉપાય નહીં છતાં 'દવા'નો કરોડોનો વેપલો

ઓનલાઇન,ઓફલાઇનથી માંડી અમદાવાદ, રાજકોટમાં 'વૈદ્ય'નો રાફડો ફાટ્યો : સ્ટીરોઇડ્સઝ વિનાની ફાકી, પડીકી, ગોળી 'એકથી પાંચ જ દિવસમાં દર્દ મટાડે'ના દાવા

અમદાવાદ,તા. ૧૮: રાજયમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના મચ્છરજન્ય રોગની આફત ઉતરી છે. આધુનિક તબીબી વિજ્ઞાાન આ રોગની કોઈ જ ચોક્કસ દવા ન હોવાનું કહે છે ત્યારે ચિકનગુનિયાથી આવતા તાવ,સોજા અને ખાસ કરીને સાંધા,સ્નાયુઓના દુખાવાને ચપટીમાં જ મટાડી દેવાની ફાકી,પડીકી અને ગોળી સ્વરૂપની'દવાઓ'નો એવો રાફડો ફાટયો છે કે,જાણે ચિકનગુનિયાની લોકો પર પડી રહેલી આફતને રોકડી કરી લેવાના અવસરમાં ખપાવાની હોડ જામી છે. એક અંદાજ મુજબ,રાજયમાં આ પ્રકારે કોઈનાય નિયંત્રણ વિના વેચાઈ રહેલી'દવા'નું કરોડોનું બજાર શરૂ થયું છે.

'ઓર્થો નીલ'નામની આવી જ એક દવા પાવડર સ્વરૂપે ચિકનગુનિયાની અકસીર દવા તરીકે ખૂબ ફેલાઈ છે. માત્ર ઓનલાઈન જ ખરીદી શકાય અને તેમાંય ન્યૂનતમ ૫૦ પાઉચનો ઓર્ડર લેવાય. બાબાજી હર્બલના ઉત્પાદનવાળી આ દવાના પેક પર કઈ કઈ જડીબુટ્ટીઓમાંથી તે બનાવી તેનું લિસ્ટ હોય છે. પરંતુ,ચિકનગુનિયાના દર્દથી કણસતા અનેક લોકોના કહેવા મુજબ,આ પાઉડર લો તેના ૨૪ કલાક તો જાદુ થાય તેમ દર્દ જતું રહે છે પરંતુ તે પછી પહેલા જેવું જ અસહ્ય દર્દ પાછું આવે છે. આવી હાલત રાજકોટ,અમદાવાદમાંથી કહેવાતા વૈદ્ય દ્વારા અપાતી આયુર્વેદિક ગોળીઓની છે. રૂ. ૧૦૦થી ૧૫૦માં દસ ગોળી મળે અને પાંચ દિવસનો ડોઝ. જો દર્દ ન જાય તો બીજા પાંચ દિવસ લેવાની. આમાંય ફરિયાદ એ જ છે કે,દસ દિવસ પછી ય દર્દ તો એનું એ જ હોય છે. પ્લોસ પેથોજેન જર્નલમાં ડેબરા લેન્સશોના જણાવ્યા મુજબ,એલોપથીના મતે મચ્છરથી થતો રોગ છે અને તેમાં સાંધા અને સ્નાયુનો અસહ્ય દુખાવો રહે છે. આ વાઇરસના ચેપનો ભોગ બનેલા ૩૦થી ૬૦ ટકા લોકોને ચેપ લાગ્યાના મહિનાઓ સુધી આ દુખાવો રહે છે. આ ઈન્ફેકટ થયા બાદ આ વાઇરસ શરીરમાં સતત રેપ્લિકેટ થયા કરતો હોવાથી તેની કોઈ જ અકસીર સારવાર હજુ સુધી શોધાઈ નથી. માત્ર તાવ અને દુખાવાથી રાહત મેળવવાની,સતત આરામ કરવાની અને ખૂબ લિકિવડ લેવાની જ સલાહ એલોપથીમાં અપાય છે.

આયુર્વેદની પ્રેકિટસમાં ચિકનગુનિયાની અલાયદી અને ખાસ સારવાર નથી. તેમાં મસુરિકા,સન્નિપાત જવર સાથે તેને જોડવામાં આવ્યો છે. ત્રિદોષ વૃદ્ઘિ અને પ્રકોપના કારણે સન્નિપાત થતો હોવાનું કહેવાયું છે. એલોપથીની જેમ આમાં પણ માત્ર સાંધા,સ્નાયુના દુખાવા અને તાવનો જ ઉપચાર થાય છે. ચિકનગુનિયા થવાના મૂળ કારણની કોઈ જ દવા નથી,તેમ કહેવાય છે.

ચિકનગુનિયાની દવા તરીકે વેચાતી જે માન્ય બ્રાન્ડ છે તેના પેકેટ્સ પર FSSATની માન્યતા હોવાનો દાવો કરાય છે. FSSATએ ફૂડ્ઝ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ તો તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોની માન્યતા માટેની સત્ત્।ા છે. આની મંજૂરી ખોરાક તરીકે મળી છે. જયારે તેનું વેચાણ દવા તરીકે કરાય છે. દવાની મંજૂરી તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા અપાય છે. આમ,જેને કેન્દ્ર સરકારે દવા તરીકે ગણી નથી તે જ અકસીર દવા તરીકે વેચાય છે.

(9:58 am IST)