Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મોબાઈલ ટચસ્ક્રીન ઉપર સોથી ઝડપી ટાઈપીંગ માટે જૂનાગઢની દીકરીએ કર્યો વર્લ્ડરેકોર્ડ

ધ્વની ભૂતએ મોબાઇલની સ્ક્રીન ઉપર ફાસ્ટેસ્ટ ટાઇપીંગનો ૩.૯૧ સેકન્ડનો રેકોર્ડ પોતાના નામે કર્યોઃ રેકોર્ડ પોતાના નામે કરવા દરરોજ ૨ થી ૪ કલાક પ્રેકટીશ કરતા

રાજકોટઃ વિશ્વમાં અનેક પ્રકારના વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ રહ્યા છે જેની જાણકારી મેળવવા સૌ કોઈને ભારે ઉત્સુકતા રહેતી હોય છે પરંતુ જો એમ કહેવામાં આવે કે આ વર્લ્ડ રેકોર્ડ જૂનાગઢની દીકરીના ફાળે આવ્યો છે તો... વાત જ સુખદ આશ્ચર્ય સર્જનારી અને ભેર વાંચવાની બની જાય છે.

 જૂનાગઢની  (મુળ વતન ઝાંપોદડ) (ઉ.વ.૧૬ ધો.૧૧ માઉન્ટ ફોર્મલ સ્કુલ) દીકરી ધ્વની ભુત જે હાલ ગાંધીનગર રહે છે તેણે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોબાઈલની ટચ સ્ક્રીન ઉપર સૌથી ઝડપી આલ્ફાબેટ ટાઇપ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જી હા...ઇંગ્લીશના તમામ આલ્ફાબેટ માત્ર ૩.૮૭ સેકન્ડમાં મોબાઈલની ટચ સ્ક્રીન ઉપર ટાઇપ કરવાનો રેકોર્ડ જૂનાગઢની ધ્વની ભુતે પોતાના નામે કર્યો છે. ધ્વનીને આ વર્લ્ડ રેકોર્ડ મળવો તે માત્ર તેના વાલીઓ, સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળો માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે આ ગૌરવવંતી બાબત છે કે આ વર્લ્ડ રેકોર્ડ જૂનાગઢની દીકરીના નામે થયો છે.

આ બાબતે જાણકારી આપતા ધ્વની કહે છે કે, 'હું મારા મોબાઈલ સ્ક્રીન ઉપર ઘણા સમયથી ફાસ્ટ ટાઈપીંગ કરતી જ હતી પરંતુ આવા કોઈ રેકોર્ડ બાબતે જાણતી નહોતી. એક દિવસ હું જ્યારે યુ ટ્યુબ ચેનલ ઉપર ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો વિડીયો જોઈ રહી હતી ત્યારે ઝીયા યાનએ મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર ફાસ્ટેસ્ટ ટાઈપીંગનો રેકોર્ડ ૩.૯૧ સેકન્ડનો પોતાના નામે કર્યો એ જોઈને તુરંત જ મેં મારા ફોનની સ્ક્રીન ઓપન કરી હતી અને તમામ આલ્ફાબેટ્સ ટાઈપ કર્યા હતા જે ટાઈપ કરવામાં મને અંદાજે પાંચ સેકન્ડનો ટાઇમ થયો હતો.'

 એ દિવસે મેં રાત સુધી વારંવાર મારા મોબાઈલની સ્ક્રીન ઉપર આલ્ફાબેટ ટાઈપ કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો અને રાત સુધીમાં મેં આ રેકોર્ડની બરાબરી કરતા ટાઈમમાં ટાઇપીંગ કરી લીધુ હતુ અને મને એ વાતનો આત્મવિશ્વાસ આવી ગયો હતો કે જો હું વધારે પ્રયત્ન કરીશ તો સોક્કસપણે આ રેકોર્ડ હુ મારા નામે કરી શકીશ.

આ પછી દરરોજ સ્કુલ સમય બાદ ધ્વનીએ આ રેકોર્ડ પોતાના નામે કરવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા અને દરરોજના આશરે ર થી ૪ કલાકની આકરી પ્રેકટીસ સતત બે સપ્તાહ સુધી ર્ક્યા બાદ મેં આખરે મારા ટાર્ગેટ ઉપર પહોંચવા માટે જરૂરી સ્પીડ મેળવી લીધી હતી. ધ્વની માટે વિશ્વના સૌથી મહામુલા એવોર્ડ મેળવવો એક ગૌરવવંતી ક્ષણ હતી.

આ એવોર્ડ મેળવ્યા બાદ મારા પરિવારજનો, તમામ પરિચિતો, સ્કુલના મિત્રો, સ્કુલ સંચાલકો અને સમસ્ત સમાજે આ રેકોર્ડ મેળવવા બદલ ખુબજ સન્માનીત કરી હતી અને મારો આત્મવિશ્વાસ તો  આસમાનની બુલંદીએ હતો કે મેં આખરે મારો પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. આ એવોર્ડથી માત્ર મારૂ સન્માન જ નથી વધ્યુ પરંતુ મારા આત્મવિશ્વાસમાં પ્રચંડ વધારો થયો છે જે મને મારા ભવિષ્યના સપનાઓ સાકાર કરવામાં મને મદદરૂપ થશે.  

ઘ્વનીના દાદા વલ્લભભાઇ ભુત જુનાગઢ ડીએ ડિસ્ટ્રીકટ કો બેંકમાં સેવા આપતા હતા અને તેના પિતા શરદભાઇ ભુત હાલ ગાંધીનગર ખાતે ફાર્મા કંપનીમાં જોબ કરી રહયા છે. મો.૯૮૨૫૭ ૦૬૦૦૭

(11:48 am IST)