Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

અમદાવાદ : કોરોનામાં કાકાનું અવસાન થતા ભત્રીજાએ કાકાના એકાઉન્ટમાંથી 11.64 લાખ ટ્રાન્સફર કરી લીધા

કાકાના મોબાઈલ અને આધારકાર્ડ પર ઓનલાઈન કાકાના એકાઉન્ટમાંથી રૂ.11.64 લાખ તફડાવ્યા; ભત્રીજાના વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ : શહેરના સેટેલાઈટમાં રહેતા કાકાને કોરોના થતા ભત્રીજો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. બાદમાં કાકાનો મોબાઈલ અને આધારકાર્ડ મેળવી લીધુ હતુ. કોરોનાની સારવાર દરમિયાન કાકાનું અવસાન થયું હતું. કાકાના અવસાન બાદ ભત્રીજાએ કાકાના મોબાઈલ અને આધારકાર્ડ પર ઓનલાઈન કાકાના એકાઉન્ટમાંથી રૂ.11.64 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગેની જાણ કાકીને થતા તેમણે તેના ભત્રીજાના વિરુદ્ધમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મુળ પાટણના અને હાલ અમદાવાદના શ્રેયસ ક્રોસિંગ પાસેના એક ફ્લેટમાં રહેતા 62 વર્ષીય મધુબહેન તેમના પતિ જયંતીલાલ સાથે રહે છે. તેમના બે દિકરાઓ જે છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયેલા છે. થોડા માસ પહેલા તેમના પતિ જયંતીલાલને કોરોના થતા તેમના ભત્રીજા મીનેશ પટેલ અને રજની પટેલ જયંતીલાલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સારવારમાં દાખલ કરતા મીનેશે જયંતીભાઈનો મોબાઈલ અને આધાર કાર્ડ મેળવી લીધુ હતુ. જો કે તે સમયે મધુ બહેનને પણ કોરોના થતા તેઓ સુરત જતા રહ્યા હતા અને આઈશોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા.

દરમિયાન 26 એપ્રિલના રોજ પતિ જયંતીલાલનું કોરોનાથી સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું હતું. પણ મધુબહેન સુરત હોવાથી પતિનો ફોન અને આધાર કાર્ડ ભત્રીજા મીનેશને પોતાની પાસે રાખી મુકવાનું કહ્યું હતું. જો કે કાકાના મુત્યુનું દુખ ભુલીને પૈસાનો ભુખ્યો ભત્રીજા મીનેશે ઈન્ટરનેટ મારફતે તેના કાકાના એકાઉન્ટમાંથી અલગ અલગ તારીખમાં રૂ.11.64 લાખના ટ્રાન્જેક્શન કરીને પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી લીધા હતા.

બીજી બાજુ મધુબહેન તેમના ઘરે આવીને પતિનો ફોન અને આધારકાર્ડ મીનેશ પાસે માગ્યું હતું. જો કે મધુબહેનને રૂપિયાની જરૂર પડી ત્યારે બેંકમાં જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી રૂ.11.64 લાખ ભત્રીજા મીનેશે ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી મધુબહેન ભત્રીજા મીનેશ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. મીનેશે રૂપિયા પરત આપ્યા ન હોવાથી તંગ આવેલા મધુબહેને ભત્રીજા મીનેશના વિરુદ્ધમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

(11:47 pm IST)