Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

મે મહિનાની અંતિમ તારીખોમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી

રાજ્યમાં ચોમાસાની શરૃઆતને લઈને અંબાલાલ પટેલની આગાહીઃજૂનની શરૃઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ થશે

અમદાવાદ,તા.૧૮

રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાનું વિધિવત આગમન થશે.  રાજ્યમાં ૮ થી ૧૫ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. જ્યાં જૂનની શરૃઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે. તેમજ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ થશે. આ વર્ષના ચોમાસામાં જૂનાગઢ જિલ્લો તેમજ  અમરેલી જીલ્લામાં પણ સારો વરસાદ થશે. બનાસકાંઠાનાં જીલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે. તેમજ કચ્છ જીલ્લાનાં ભાગોમાં સારો વરસાદ વરસશે.  તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે.

ભારતીય હવામાન વિભાગ  ના મહાનિર્દેશકના જણાવ્યા અનુસાર હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ પ્રવર્તી રહી છે. પરંતુ સારી વાત એ છે કે તે સતત નબળી પડી રહી છે. એવો અંદાજ છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં લા નીના સ્થિતિ ઊભી થઈ શકે છે.

વાસ્તવમાં, લા નીનાને ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે અલ નીનો સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે છે. IMDએ કહ્યું કે દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવશે.

IMD ચીફે વધુમાં જણાવ્યું કે, ૧૯૫૧ થી ૨૦૨૩ સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખત સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ નોંધાયો હતો જ્યારે અલ નીનો પછી લા નીના આવ્યો હતો. તે જ સમયે, દેશમાં ૨૨ લા નીના વર્ષોમાંથી, ૨૦ વખત ચોમાસું સામાન્ય કરતાં વધુ હતું.

 

આ વખતે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોના કેટલાક વિસ્તારોને છોડીને દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ભારતના વાર્ષિક વરસાદના લગભગ ૭૦ ટકા વરસાદ પૂરો પાડે છે, જે કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. દેશના જીડીપીમાં કૃષિનું યોગદાન લગભગ ૧૪ ટકા છે.

(7:39 pm IST)