Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

વિજય મૂહૂર્ત નીકળી ગયું : હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે પાટીલ

નવસારીમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું શકિત પ્રદર્શન.: સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવીની સાથે કર્યો રોડ શો : મોટી સંખ્યામાં ઉમટ્યા સમર્થકો.. પણ કલેકટર ઓફિસ સુધી પહોંચવામાં મોડા પડ્યા પાટીલ

નવસારી, તા.૧૮: આજે સાણંદમાં ગૃહમંત્રી અમિત શાહનો તો, નવસારીમાં સીઆર પાટીલનો ભવ્ય રોડ શો નીકળ્યો હતો. બંનેને રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. તો આજે નવસારીથી ભાજપના સીઆર પાટીલ ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. પરંતું હવે સમાચાર આવ્યા છે કે, સીઆર પાટીલ આજે ફોર્મ નહિ ભરે. કારણ કે, રેલીને કારણે વિજય મુહૂર્ત નીકળી ગયું છે. તેથી પાટીલ હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ નવસારી બેઠકના લોકસભાના ઉમેદવાર છે. સી. આર. પાટીલે નવસારીથી ચોથી વાર સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યાં છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સી. આર. પાટીલે રોડ શો કરી નવસારીના રસ્તાઓ પર ભવ્ય શકિત પ્રદર્શન કર્યું. સી. આર. પાટીલની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાણામંત્રી અને પ્રભારી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ૨ કિલોમીટર લાંબા રોડ શોમાં સી. આર. પાટીલને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. ૨ કિલોમીટરના રોડ શોમાં ૪ સ્વાગત પોઈન્ટ બનાવાયા હતા. રોડ શોના આખા રૃટને ખાસ શણગારવામાં આવ્યો હતા. રોડ શોમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓ ઉમેદવારી સમયે ઉમટી પડ્યા હતા.

સીઆર પાટીલના ભવ્ય રોડ શો વચ્ચે મોટા ખબર આવ્યા કે, ૧૨:૩૯નું વિજય મુહૂર્ત નીકળી જતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીમાં સીઆર પાટીલની જંગી રેલી નીકળી હતી. આ રેલીને કારણે સીઆર પાટીલ કલેકટર કચેરી સુધી પહોંચવામાં મોડા પડ્યા હતા. આ કારણ ફોર્મ ભરવાનું ૧૨:૩૯નું વિજય મુહૂર્ત નીકળી ગયું હતું. તેથી હવે પાટીલ આવતીકાલે નવા વિજય મુહૂર્ત પર ફોર્મ ભરશે.

(3:09 pm IST)