Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ગુજરાતભરમાં તા.ર૭ થી ર૯ જુન શાળા પ્રવેશોત્સવ

ચુંટણીના કારણે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ પખવાડીયુ મોડો

રાજકોટ, તા., ૧૮: રાજય સરકાર દ્વારા તા.ર૭ થી ર૯ જુન ૩ દિવસ તમામ શહેર-જીલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારે પુર્વ તૈયારી કરવા તમામ જીલ્લા શિક્ષણ તંત્રને નિર્દેષ કરી દીધો છે.

સામાન્ય રીતે જુનના પહેલા કે બીજા અઠવાડીયામાં આ કાર્યક્રમ યોજાતો હોય છે. પરંતુ આ વખતે લોકસભાની ચુંટણીની આચારસંહિતા હોવાથી સરકારે કાર્યક્રમ ૧ર થી ૧પ દિવસ મોડો રાખેલ છે.

વર્ષ ર૦ર૪-રપનો શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ ર૭,ર૮ અને ર૯ જુન (ગુરૂવારથી શનીવાર) દરમિયાન રાજયની બાલવાટીકાઓ, પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શકિત રેસીડેન્સીયલ સ્કુલ તથા રક્ષા શકિત રેસીડેન્શીયલ સ્કુલોમાં યોજવાનો નિર્ણણ કરવામાં આવેલ છે.

મહોત્સવના દિવસોમાં સરકારના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમીક શાળાઓમાં જઇ બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ અપાવવાની કામગીરી કરશે. આ મુલાકાત વખતે શાળાની સુવિધા, વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષણની વ્યવસ્થા વગેરે બાબતની જાણકારી મેળવશે. ગુજરાતમાં વર્ષોથી દર ખુલતા વેકેશને શાળા પ્રવેશોત્સવ યોજાય છે.

(11:08 am IST)