Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં પ્રપૌત્રીને રમાડાવા દુબઈથી આવેલી પરદાદીને જીવ ગુમાવ્યો

- નડિયાદ નજીક અર્ટીગા કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત :મૃતકોમાં 8 પુરુષ, એક મહિલા અને એક પાંચ વર્ષની બાળકીનો સમાવેશ

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ નજીક અર્ટીગા કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જેમાં 8 પુરુષ, એક મહિલા અને એક પાંચ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. જે પૈકી એક વડોદરાનો તબીબી વિદ્યાર્થી છે. જ્યારે એકમાત્ર મૃતક મહિલા દુબઈથી આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ગોઝારા અકસ્માતમાં શહેરના વારસિયા રિંગ રોડ પર રહેતો અને ભરૂચમાં MBBSનો અભ્યાસ કરતો નીલકુમાર ભોજાણી મોતને ભેટ્યો છે. એકના એક પુત્રને MBBSમાં એડમિશન મળતા તેની ખુશીમાં ઘરમાં પૂજા રાખવામાં આવી હતી. જો કે આ ઘટનાના પગલે ભોજાણી પરિવાર સહિસ સોસાયટીમાં ઘેરો શોક છવાયો છે.

આ ઉપરાંત અકસ્માતમાં શહેરના વારસિયાના જયશ્રીબેન મિસ્ત્રિએ પણ જીવ ગુમાવ્યો છે. મૃતક જયશ્રીબેન છેલ્લા 8 વર્ષથી દુબાઈમાં રહેતા હતા. જયશ્રીબેન પોતાના પૌત્રના ઘરે જન્મેલી દીકરીને પારણે ઝૂલાવવા માટે દુબઈથી સ્પેશિયલ આવ્યા હતા. બે દિવસ બાદ જયશ્રીબેન દુબઈ પરત ફરવાના હતા. જો કે દુબઈ જતાં પહેલા તેઓ અમદાવાદ ખાતે માતાજીની દર્શન કરવા જઈ રહ્યા હતા. જો કે એ પહેલા જ તેમને કાળ ભરખી ગયો.

ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે પોતાના સત્તાવાર X હેન્ડલ પર આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. જ્યારે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મૃત્યુના અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. ખાનગી વાહનમાં કેપેસિટી ન હોવા છતાં 10-10 વ્યક્તિઓ ભરેલા હતા. કાયદાથી વિરુદ્ધ આવી મુસાફરીઓમાં ભોગ બનનારને વીમો પણ મળતો નથી, જેથી મૃતકના પરિવાર પણ મુશ્કેલીમાં મુકાય છે.

ગંભીર અકસ્માતમાં જેઓએ જીવ ગુમાવ્યો છે તેવા વ્યક્તિઓના પરિવારને સાંત્વના પાઠવું છું તેમજ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. સરકાર જરૂરિયાતમંદ પરિવારોને પૂરતી સહાય કરે તેવી પણ માંગણી કરું છું

   
(11:10 pm IST)