Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ટ્રેન નીચે પડતું મૂકી મોત મીઠુ કરતી વલસાડની શીક્ષીકા

મરતા પહેલા યુવતી દ્વારા લખાએલ સ્યુસાઇડ નોટ મળી

વલસાડ : વલસાડ સ્ટેશન નજીકના જવાહર ધક્કા પાસે વલસાડના મિશન કોલોની વિસ્તારમાં રહેતી મહિલા શિક્ષિકાએ કોઇક અગમ્ય કારણસર ટ્રેન સામે પડતું મૂકીને મોત મીઠુ કર્યું હતું. ઘટનાસ્થળ પાસેથી મળી આવેલી શીક્ષીકાના બાઇકના નંબરને આધારે આર.ટી.ઓ. કચેરીમાંથી મેળવેલી વિગત પરથી યુવતીની ઓળખ થવા પામી હતી.

મળતી માહિતી મુજબ, વલસાડ રેલવે સ્ટેશન પાસેના જવાહર ધક્કા પાસે આજે સવારે એક યુવતી પોતાની બાઇક (નં. જીજે.૧૫. બીએલ.૫૧૯૨) પર પહોંચી હતી. બાઇકને પાર્ક કરીને, નજીકના ધક્કા પર ઉદાસ હાલતમાં બેઠેલી યુવતી અચાનક ઊભી થઇ હતી અને મુંબઇ તરફથી આવી રહેલી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન સામે ઝંપલાવી દેતા તેનું શરીર ક્ષતવિક્ષત થઇ ગયું હતું. પલકવારમાં બનેલી ઘટનામાં, યુવતી મોતને ભેટી હતી. તે ઠેકાણે હાજર લોકોએ તાત્કાલિક ૧૦૮ને તથા વલસાડ રેલવે પોલીસને જાણ કરી હતી.

૧૦૮-એ તે યુવતીને મૃત ઘોષિત કરી હતી. યુવતીની બાઇકને નંબરને આધારે આર.ટી.ઓ.માંથી વિગત મેળવાતા, મરનારનું નામ પ્રિયંકા જાનુભાઇ મિતના (ઉ.વ.૨૮, રહે. સુથાર ચાલ, મિશન કોલોની, વલસાડ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના સ્વજનોને શોધીને તપાસ કરતાં જાણવા મળ્યું કે, યુવતીના પિતા હયાત નથી. પરિવારમાં માતા, બે બહેનો તથા એક ભાઇ છે. મરનાર યુવતી વલસાડની કુસુમ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.

યુવતીના મૃતદેહ પાસેથી મળી આવેલી બેગમાંથી એક સ્યુસાઇડ નોટ તથા યુવતીનું પાન કાર્ડ મળી આવ્યો હતો. પોલીસે, પી.એમ. કર્યા બાદ મૃતદેહને પરિવારને સોંપી દીધો હતો. આ અંગે રેલવે પોલીસે અકસ્માત મોત મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીની બેગમાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટ, ખૂબ જ હૃદયસ્પર્શી છે.

યુવતી પ્રેમસંબંધમાં દગાબાજીનો ભોગ બની હોવાનું, નોટમાં લખાયેલા લખાણ પરથી લાગી રહ્યું છે. નોટમાં તેણે લખ્યું છે કે "સોરી મમ્મી. લવ યુ એ મુજબના લખાણથી પ્રારંભ કરીને વધુમાં લખ્યું હતું કે, હું મરૃં તો પણ ખરાબ અને જીવતે તો પણ ખરાબ. રોજ મરવા કરતા એકવાર મરવાનું મેં પસંદ કર્યુ. મારૃં આ પગલું તમને ઘણું દુઃખી કરશે. પણ મને માફ કરી દેજો. મેં ૨ મહિના આવી જ રીતે કાઢી નાંખ્યા. પણ આખી લાઇફ આ રીતે મારાથી ના નીકળે. સોરી. ભૂલ મેં કરી એટલે સજા પણ હું આપું છું. બધાની નજરમાં ભૂલ પણ મેં વિશ્વાસ કરેલો. મારા ગયા પછી આ બધું, મારી સાથે જ વાળી દેજો. આગળ દલીલમાં ઉતરવું નહિં. મારે કોઇ સાથે કોઇ દુશ્મની નથી. કોઇને સજા કે દોષ આપવો નહિં."

(11:06 pm IST)