Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સાબરકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક:સાઈબાબાની મૂર્તિની તોડફોડ કરતા લોકોમાં આક્રોશ

સાબરકાંઠા:જિલ્લામાં વડાલી બાદ ઈડરના વસાઈમાં પણ ગુરૃવારની રાત્રે કોઈ અસામાજીક તત્ત્વોએ ભારે આતંક મચાવી સાંઈબાબાની મૂર્તિની તોડફોડ કરતાં લોકોમાં રોષ વ્યાપી ગયો છે. આતંક મચાવનાર તત્વો મંદિરની દાનપેટી તોડી દાનની રકમ પણ ચોરી ગયા છે. ઘટનાની જાણ થતાં ઇડર પોલીસે દોડી આવી સી.સી. ટીવી તથા કોલ ડિટેઇલ આધારે ગુનેગારો સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. વડાલીના સ્મશાનમાં શિવજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ ઈડરના વસાઈમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં વસાઈના ભોલેશ્વર આશ્રમ પરિસરમાં આવેલ સાંઈબાબાના મંદિરને નિશાન બનાવી ગુરૃવારની મધ્યરાત્રિથી શુક્રવારની વહેલી સવારના કોઈ પણ સમય દરમિયાન ત્રાટકેલ અસામાજીક તત્ત્વોએ મૂર્તિને ખંડિત કરી હતી. મૂર્તિના હાથ-પગ તથા નાક અને દાઢીનો ભાગ તોડી નંખાયો હતો. ઉપરાંત દાન પેટી તોડી દાનની રકમ પણ ચોરી ગયા હતા. આ ઘટના અંગે વહેલી સવારે પૂજા કરવા ગયેલા પુજારીને જાણ થતાંપુજારીએ ટ્રસ્ટીને અને તે થકી ગ્રામજનોને જાણ થઈ હતી. જાણકારી મળતાં જ લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડયા હતા. સાંઈબાબાની મૂર્તિને ખંડિત થયેલી જોઈ લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. દરમિયાન પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમ પણ દોડી આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ મંદિર પરિસરમાં લગાડેલ સીસી ટીવી તથા ઘટના સ્થળ આસપાસના કોલ લોકેશન આધારે ગુનેગાર તત્ત્વોને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે.

(5:38 pm IST)